Site icon Revoi.in

ભારત અને માલદીવ હિંદ મહાસાગરમાં ચીનની તમામ હિલચાલ ઉપર રાખશે નજર

Social Share

દિલ્હીઃ ભારત સરકારે પડોશી દેશ માલદીવને ડોર્નિયર વિમાન આપ્યાં છે. જેની મદદથી હિંદ મહાસાગરમાં ચીની જહાજોની અવર-જવર ઉપર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં ગેરકાયદે રીતે માછીમારીની પ્રવૃતિ અને ડ્રગ્સ તસ્કરી ઉપર પણ નજર રાખવામાં આવશે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સને સોંપવામાં આવેલા આ વિમાનનો તમામ ખર્ચ ભારત સરકાર ભોગવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને માલદીવ સરકાર વચ્ચે વર્ષ 2016માં ડોર્નિયર વિમાનને લઈને ડીલ થઈ હતી. જેથી ભારત સરકાર દ્વારા આ વિમાન માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સને સોંપવામાં આવ્યાં છે. આ વિમાનને માલદીવ ડિફેન્સ ફોર્સના જવાનો ઉડાવશે. ભારતીય નૌસેનાએ આ વિમાનના સંચાલન માટે માલદીવ ડિફેન્સ ફોર્સના સાત જવાનોને ટ્રેનિગ આપવામાં આવી રહી છે. ભારત અને માલદીપ આ વિમાનની મદદથી હિંદ મહાસાગરમાં ચીનની જહાજોની અવર-જવર ઉપર નજર રાખી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને માલદીવના સંબંધ વધારે સુધર્યાં છે. વર્ષ 2018માં ઈબ્રાહીમ મહંમદ સાલેહ રાષ્ટ્રપતિ બન્યાં બાદ ભારત અને માલદીવના સંબંધ સુધર્યાં છે. યામીનના શાસનમાં બંને દેશ વચ્ચે સંબંધ બગડ્યાં હતા. યામીનને ચીનના નજીક માનવામાં આવતા હતા. જો કે, ચૂટણીમાં યામીનને હરાવીને સાલેહ રાષ્ટ્રપતિ બન્યાં હતા.