Site icon Revoi.in

ભારતે શ્રીલંકાને 41 રનથી પરાજ્ય આપીને એશિયા કપ ફાયનલમાં પ્રવેશ મેળવ્યો

Social Share

કોલંબોઃ  ભારતે પાકિસ્તાનને કારમો પરાજ્ય આપ્યા બાદ એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકાને હરાવી સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને લો-સ્કોરિંગ મેચમાં 41 રને જીત મળી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી.   ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં બંનેએ ધમાકેદાર બેટિંગ કરતા 65 રન ફટકારી દીધા હતા.

ભારત એશિયા કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. ટીમે તેની બીજી સુપર-4 મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 214 રનના લક્ષ્યને ચેઝ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ત્રીજી ઓવરમાં પથુમ નિસાન્કા (6 રન)ની વિકેટ ગુમાવી હતી. કુસલ મેન્ડિસ (15 રન)એ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સાતમી ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરુણારત્ને (2 રન)ને પેવેલિયન મોકલ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ 10 ઓવરમાં 39 રન બનાવ્યા બાદ 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય ટીમ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પર ભારતીય બેટર્સ શ્રીલંકાના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમની તમામ વિકેટ સ્પિનરોએ લીધી હતી. વન-ડેના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતની તમામ વિકેટ સ્પિનરોએ લીધી હોય, શ્રીલંકન ટીમ તરફથી લેફ્ટ આર્મ સ્પિનર ​​દુનિથ વેલ્લાગેએ 5 વિકેટ લીધી હતી જ્યારે ઓફ સ્પિનર ​​ચરિથ અસલંકાએ ચાર બેટર્સને આઉટ કર્યા હતા. મહિશ થિક્સાનાને એક વિકેટ મળી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. રોહિતે તેની વન-ડે કારકિર્દીની 51મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 10 હજાર વન-ડે રન પણ પૂરા કર્યા. રોહિત સિવાય કેએલ રાહુલે 39 રન અને વિકેટકીપર ઈશાન કિશને 33 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર અને સિરાજે છેલ્લી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી.

વરસાદના કારણે ભારત-શ્રીલંકા મેચ રોકવી પડી હતી. ભારતીય દાવમાં 47 ઓવર નાખવામાં આવી હતી જ્યારે 6:25 વાગ્યે વરસાદ આવ્યો અને રમત રોકવી પડી. થોડા સમય પછી વરસાદ બંધ થયા બાદ મેચ 7:15 વાગ્યે શરૂ થઈ હતી, જોકે અમ્પાયરોએ ઓવરો નહીં કાપવાનો નિર્ણય લીધો છે. ઇનિંગ બ્રેકનો સમય ઘટાડીને 10 મિનિટ કરવામાં આવ્યો હતો.