Site icon Revoi.in

ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું પેટ્રોલ પંપ નેટવર્ક ધરાવતો દેશ બન્યો

Social Share

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : IndiaEconomy ભારત આર્થિક મોરચે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં જ ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. પેટ્રોલ પંપ નેટવર્કના મામલામાં ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. દેશમાં પેટ્રોલ પંપની સંખ્યા 1,00,000 ના આંકડાને પાર કરી ગઈ છે, જેનાથી અમેરિકા અને ડ્રેગન (ચીન) ની ઊંઘ ઉડી ગઈ છે.

હાલમાં અમેરિકા અને ચીન પાસે અંદાજે 1.10 લાખથી 1.20 લાખ પેટ્રોલ પંપ છે. ભારત હવે તેમનાથી માત્ર 10,000 પંપ પાછળ છે. સરકારી અને ખાનગી તેલ કંપનીઓ જે રીતે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં પોતાનું નેટવર્ક વિસ્તારી રહી છે, તે જોતા ભારત ટૂંક સમયમાં જ આ બંને દેશોની બરાબરી કરી લેશે અથવા તેમને પાછળ છોડી દેશે તેવી શક્યતા છે.

છેલ્લા એક દાયકામાં ભારતમાં ઈંધણના રિટેલ નેટવર્કમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલના પૂર્વ અધ્યક્ષ બી. અશોકના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણથી ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની ઉપલબ્ધતાની સમસ્યા હલ થઈ છે. એક દાયકા પહેલા કુલ પંપમાં ગ્રામીણ વિસ્તારોનો હિસ્સો 22 ટકા હતો, જે હવે વધીને 29 ટકા થયો છે. હવે પેટ્રોલ પંપ માત્ર તેલ પૂરતા મર્યાદિત નથી, ત્રીજા ભાગના પંપ પર હવે CNG અને EV ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

નીતિગત સુધારા છતાં ભારતની ઈંધણ બજાર પર હજુ પણ સરકારી કંપનીઓનું વર્ચસ્વ છે. ખાનગી કંપનીઓનો હિસ્સો 10 ટકા થી ઓછો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે લગભગ 2,100 અને નાયરા એનર્જી પાસે 6,900 પંપ છે. નિષ્ણાતોના મતે, સરકારના કિંમત નિયંત્રણને કારણે ખાનગી રોકાણ મર્યાદિત રહ્યું છે.

છેલ્લા 10 વર્ષમાં ભારતમાં પેટ્રોલની વપરાશમાં 110 ટકા અને ડીઝલની માંગમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, કેટલાક નિષ્ણાતો આ આક્રમક વિસ્તરણ સામે સવાલ પણ ઉઠાવી રહ્યા છે. રિલાયન્સ બીપી મોબિલિટીના પૂર્વ સીઈઓ હરીશ મહેતાએ કહ્યું હતું કે, ભારત પાસે જરૂરિયાત કરતા વધુ પંપ છે, જેમાંથી ઘણા બિનઉત્પાદક છે. બીજી તરફ, ડીલર એસોસિએશનના જણાવ્યા મુજબ, જૂના પંપોની આર્થિક વ્યવહારુતા જાળવી રાખવી સરકાર માટે મોટો પડકાર છે.

આવનારા સમયમાં પેટ્રોલ પંપો માત્ર ઈંધણ ભરાવવા માટે જ નહીં, પરંતુ ગેસ અને ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પોઈન્ટ તરીકે પણ વિકસિત થશે. આનાથી કંપનીઓની આવક વધશે અને ગ્રાહકોને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ

Exit mobile version