દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેમજ પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં અત્યાર સુધીમાં ભારત અને ઈંગ્લેન્ડ એક-એક ટેસ્ટ જીતી છે. જ્યારે એક ટેસ્ટ ડ્રો ગઈ છે. ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજ્ય થયો હતો. હવે ચોથી ટેસ્ટ બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે. દરમિયાન ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટને લઈને ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફાસ્ટ બોલર માર્ક વૂડ અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે ફિટનેસ સાથે પુનરાગમન કર્યું છે. જ્યારે વિકેટકિપર બટલર બીજી વખત પિતા બનવાનો હોવાથી ઘરે પરત ફર્યો છે. બટલરની ગેરહાજરીમાં બેરસ્ટો વિકેટકિપર તરીકેની ભૂમિકા અદા કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વૂડને જમણા ખભા પર ઈજા થી હતી. જ્યારે વોક્સ જુલાઈમાં પાકિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં થયેલી ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમમાંથી બહાર હતો. સ્ટોક્સ અને આર્ચર જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર વૂડની ફિટનેસથી ઈંગ્લેન્ડના કેમ્પે રાહત અનુભવી છે. બટલરની ગેરહાજરીને કારણે સેમ બિલીંગને રિઝર્વ વિકેટકિપર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમમાં કેપ્ટન રૃટ, અલી, એન્ડરસન, બેરસ્ટો (વિ.કી.), બિલીંગ (વિ.કી., બર્ન્સ, સેમ કરન, હાસીબ હામીદ, લોરેન્સ, મલાન, ઓવરટન, પોપ, રોબિન્સન, વોક્સ, વૂડનો સમાવેશ થાય છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ચોથી ટેસ્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચોથી ટેસ્ટમાં શું રણનીતિ ઘડવી અંગે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી મંથન કરી રહ્યાં છે.