Site icon Revoi.in

ભારત વિશ્વની 70 ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે, દેશમાં એફોર્ડેબલ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છેઃ માંડવિયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતનાં ગાંધીનગરમાં G-20  આરોગ્ય મંત્રીઓની બેઠક તા.17મીથી ત્રણ દિવસ માટે યોજાઈ છે. G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ‘ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023’નું પણ આયોજન થયું હતું. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે. G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ,  સજ્જતા અને  પ્રતિભાવ; સલામત,  અસરકારક,  ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું, “ભારતમાં વિશાળ હેલ્થ વર્કફોર્સ છે અને એ જ ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે. માંડવિયાએ કહ્યું હતું કે ભારતની G20 પ્રેસિડન્સી અંતર્ગત આયોજિત આ સમિટમાં વિશ્વના દેશોને ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રથી થનારા લાભોની જાણકારી, તેને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. પરંપરાગત ઔષધિઓ અંગે પણ આ અંતર્ગત ચર્ચાઓ થઈ છે.  માંડવિયાએ કહ્યું હતું કે G20 દેશોએ ભારતના હેલ્થ મોડેલને આવકારીને પ્રશંસા કરી છે. દેશમાં આજે હેલ્થ કવરેજ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે દેશના હેલ્થ સેક્ટરમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. પોકેટ એક્સ્પેન્ડિચર ઘટી રહ્યું છે. જેને આજે દુનિયા જોઈ રહી છે.

માંડવિયાએ બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતનું સામર્થ્ય છે કે તે વિશ્વની 70 ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે. G 20 હેલ્થ મિનિસ્ટર્સ સમિટની ઉપલબ્ધિ વિશે જણાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે. ભારત જે રીતે ડિજિટલ, મેડિકલ ક્ષેત્ર સહિતના અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે તેને દુનિયા આજે જોઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા 2023ને સાકાર કરવાના વિઝન સાથે દેશ આજે દુનિયાને પોતાનું સામર્થ્ય દરેક ક્ષેત્રમાં દર્શાવવા સક્ષમ બની રહ્યો છે.

 

Exit mobile version