નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ વી. નારાયણનએ જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2040 સુધીમાં અંતરિક્ષ ક્ષેત્રમાં વિકસિત દેશોની સમકક્ષ સ્થાન પર પહોંચશે. તેમણે કહ્યું કે પ્રક્ષેપણ યાન ક્ષમતા અને ઉપગ્રહ ટેકનોલોજીમાં સમાનતા હાંસલ કરવા માટે સતત કામ ચાલી રહ્યું છે.
નારાયણન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025માં તેમણે જણાવ્યું કે, “2040 સુધીમાં ભારત પ્રક્ષેપણ ક્ષમતા, ઉપગ્રહ ટેકનોલોજી, વૈજ્ઞાનિક મિશન અને ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કોઈપણ વિકસિત દેશની સમકક્ષ ક્ષમતા ધરાવશે.” અંતરિક્ષ ક્ષેત્રે ભારતને મળેલી દિશા અને દૃષ્ટિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય જાય છે. તેમણે સ્વતંત્રતા પછીના ભારતના ટેકનોલોજીકલ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “1947માં 35 કરોડની વસ્તી માટે દેશમાં ફક્ત 84,000 ટેલિફોન લાઇનો હતી. હું કન્યાકુમારી જિલ્લાના એક ગામનો રહેવાસી છું, અને 1990ના દાયકામાં પણ 5 કિ.મી. સુધી ફોન કનેક્ટિવિટી નહોતી.”
નારાયણને એક વ્યક્તિગત પ્રસંગ પણ શેર કર્યો કે કેવી રીતે તેઓ 1993માં રશિયામાં 10 મહિનાના નિવાસ દરમિયાન પોતાના માતા-પિતાને સંપર્ક કરી શક્યા નહોતા. તેમણે કહ્યું કે ભારતની સંચાર ક્રાંતિને અંતરિક્ષ કાર્યક્રમથી વિશાળ ગતિ મળી છે. ‘આર્યભટ’થી શરૂ થયેલો સફર, આજે 5G યુગ સુધી પહોંચ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે 1975માં પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ’ લોન્ચ કર્યો હતો, ત્યાર બાદ તે જ વર્ષે અમેરિકન ઉપગ્રહ સગ્નલની મદદથી જનસંચારનો પ્રયોગ કર્યો હતો. અહીંથી શરૂ થયેલી સફર આજે ત્યાં પહોંચી ગઈ છે જ્યાં, “દેશના 85 ટકા ઘરોમાં સ્માર્ટફોન છે અને લગભગ તમામ જિલ્લાઓમાં 99.6 ટકા 5G કવરેજ ઉપલબ્ધ છે.”
તેમણે ઈસરોની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું હતું કે, ભારત હાલમાં 18 સંચાર ઉપગ્રહો ચલાવી રહ્યું છે, જેમાં 354 ટ્રાન્સપોન્ડર અને 73 Gbps હાઈ થ્રુપુટ ક્ષમતા છે. જીસેટ-11 ઉપગ્રહનું વજન 6,000 કિલોગ્રામ છે અને તે અત્યંત કાર્યક્ષમ રીતે કાર્યરત છે. તેમણે વિશેષ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં સમર્પિત સ્પોટ બીમ મારફતે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોની પણ વાત કરી હતી.
ઈસરોના વડાએ જણાવ્યું હતું કે, ઈસરોનું યોગદાન માત્ર રાષ્ટ્રીય હિત પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિશ્વ સમુદાયના વિકાસ માટે પણ ભારત પ્રતિબદ્ધ છે. “માત્ર ગયા વર્ષે જ અમે બે મિશન મારફતે 72 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું. આ મહિનામાં અમે વધુ એક સંચાર ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.”