Site icon Revoi.in

બોર્ડર પાર જઈને પુલવામા હુમલાનો અપાશે જવાબ, સેના દ્વારા મોટી કાર્યવાહીની શક્યતા

Social Share

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેના પણ સખત વલણ અખત્યાર કરી ચુકી છે. અહેવાલો મુજબ, 150 જેટલા યુદ્ધવિમાનો વેસ્ટર્ન ફ્રન્ટ તરફ તેનાત કરવામાં આવ્યા છે અને તે કાર્યવાહી માટે તૈયાર છે. આ યુદ્ધવિમાનોમાં જગુઆરથી લઈને મિરાજ-2000 સુધીના ફાઈટર જેટ્સ સામેલ છે. તેનું પ્રદર્શન વાયુશક્તિ કવાયત દરમિયાન થવાનું છે. પરંતુ આ યુદ્ધવિમાન હાલની સ્થિતિમાં કાર્યવાહી માટે પણ તૈયાર છે.

એલઓસી પર પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવતા આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે પૂર્વવર્તી સીમાથી લઈને સીમા પાર સુધી ચોક્કસાઈપૂર્વકના મિસાઈલ હુમલા અને તોપના ઉપરી સ્તર પર જમીની કાર્યવાહી માટે ભારત દ્વારા આવા યુદ્ધવિમાનોના ઉપયોગની શક્યતા છે. ઉરી ખાતેની સૈન્ય છાવણી પરના હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સિવાય અન્ય કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો નથી. પીઓકે ભલે પાકિસ્તાનના કબજા હેઠળ છે, પરંતુ હાલના સમયગાળામાં પાકિસ્તાન પર દંડાત્મક કાર્યવાહી કરીને દબાણ બનાવવાનો જ વિકલ્પ છે.

આતંકવાદીઓ સિવાય પાકિસ્તાની સેના પર પણ કાર્યવાહી કરવાથી જ તેને બોધપાઠ મળશે. સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાનું કહેવું છે કે પાકિસ્તાનને એ વાતનો અહેસાસ કરાવવો પડશે કે ભારતમાં આતંકવાદને પ્રાયોજીત કરવો વ્યાજબી નથી. આતંકવાદી કેમ્પને હુમલામાં તબાહ કરવાથી સંદેશો જવાની સાથે પાકિસ્તાન પર પણ દબાણ બનશે.

હવાઈ હુમલા અથવા બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરવો એક વિકલ્પ બને તેવી પણ શક્યતા છે. જેનાથી એલઓસી પર દબાણ બનાવી શકાય અને દુશ્મનોને આકરો જવાબ પણ આપી શકાય તેમ છે. રાજૌરી અને પુંછમાં પહેલેથી જ દબાણને જાળવી રાખવામાં આવ્યું છે. સીમા પર પહેલેથી જ તેનાત જવાનો દ્વારા શસ્ત્રવિરામ ભંગની હરકતનો જવાબ ભીષણ ગોળીબારથી આપવાનું સામે આવતું રહ્યું છે. સીમા પાર મોટી કાર્યવાહી કરવાથી જ એલઓસી પર સુરક્ષા વધશે અને ઘૂસણખોરીમાં ઘટાડો થશે. સીમા પારથી આંતકવાદને રોકવા માટે છેલ્લે 2003માં ફેન્સિંગ કરવામાં આવ્યું તું. તેના સિવાય આતંકવાદીઓના શંકાસ્પદ ઠેકાણાઓ અને પોસ્ટને ચિન્હિત કરીને ત્યાં કાર્યવાહી કરવાનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે.

આ સિવાય સેના દ્વારા ખતરનાક ગણાતા ભીમબર ગલી જેવા વિસ્તારમાં આવી કાર્યવાહી કરીને તેને વધારે સુરક્ષિત બનાવી શકાય તેમ છે. પુંછ અને ઉરીને જોડનારા હાજી પાસનો વિસ્તાર સેના માટે સૌથી વધુ ખતરનાક સાબિત થતો આવ્યો છે.

1965માં ભારતે આ સ્થાન પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું અને યુદ્ધ બાદ થયેલી સમજૂતીમાં હાજીપાસના વિસ્તારને ભારતે પાકિસ્તાનને પાછો સોંપ્યો હતો.જો કે સેનાના અધિકારીઓનું કહેવું છે કે આવા ઓપરેશનથી તણાવના વધવાને પણ અવકાશ રહેશે. આવા ઓપરેશનને મર્યાદીત કાર્યવાહીથી ઘણું વધારે ગણવામાં આવશે.