Site icon Revoi.in

એશિયા કપમાં ભારતની જીત, પાકિસ્તાનને 228 રને આપ્યો કારમો પરાજ્ય, કુલદીપે 5 વિકેટ ઝડપી

Social Share

કોલંબોઃ ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે વન ડે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી કારમો પરાજ્ય આપ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ 140 રનનો હતો જે ભારતે 2008માં મીરપુર મેદાનમાં બનાવ્યો હતો.

એશિયા કપમાં સુપર-4ની રિઝર્વ-ડે મેચમાં  ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રને પરાજય આપ્યો હતો. કુદલીપ યાદવની ધમાકેદાર બોલિંગ સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું હતુ. દરમિયાન ભારતના 50 ઓવરમાં 2 વિકેટે 356 રનના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં બે વિકેટે 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128/8 રન જ બનાવી શકી હતી. ટીમના બે બેટર્સ ઈજાના કારણે રમ્યા ન હતા. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી.

પાકિસ્તાનને તેના વન-ડે ઈતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમને અગાઉ 2009માં કરાચીના મેદાન પર શ્રીલંકાએ 234 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન વન-ડેમાં ત્રીજી વખત 200થી વધુ રનના માર્જિનથી હારી ગયું છે. શ્રીલંકા અને ભારત સિવાય ટીમને 2002માં નૈરોબીના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ 224 રનથી હરાવ્યું હતું.

આ મેચમાં ભારતે 356 રન બનાવી પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઉપરાંત ભારતે પાકિસ્તાન સામે બીજો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. વર્ષ 2005માં ભારતે પાકિસ્તાન સામે હાઈએસ્ટ સ્કોર 9 વિકેટે 356 રન નોંધાવ્યા હતા.  દરમિયાન આજની મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 122 રન કરી ધમાકેદાર બેટીંગ કરી છે, જ્યારે તેનો સાથ આપનાર કે.એલ.રાહુલે પણ 106 બોલમાં 2 સિક્સ અને 12 ફોરની મદદથી 111 રન કર્યા છે, જ્યારે ઓપનિંગમાં આવેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે પણ પાકિસ્તાનને હંફાવ્યા છે. રોહિતે 49 બોલમાં 56 જ્યારે શુભમન ગીલે 52 બોલમાં 58 રન કર્યા છે.