નવી દિલ્હીઃ આર્મી ડે પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રાજધાની દિલ્હીમાં વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આર્મી ચીફે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન સાથે સૈન્ય અને રાજદ્વારી સ્તરે સતત વાતચીત થઈ રહી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ભારતની સેના દરેક મુશ્કેલી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
જનરલ મનોજ પાંડેએ વધુમાં કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ અત્યારે એકદમ સ્થિર છે, ચીન સાથેની વાતચીતમાં 7માંથી 5 મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. અમે સૈન્ય અને રાજદ્વારી બંને સ્તરે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી પાસે પર્યાપ્ત ભંડાર છે.
રાજૌરી ઘટના પર પાકિસ્તાન તરફ ઈશારો કરતા જનરલ મનોજ પાંડેએ કહ્યું કે અમારા દુશ્મનો ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. પીર પંજાલ રેન્જના દક્ષિણમાં લઘુમતીઓ વિરુદ્ધ ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. પીર પંજાલના દક્ષિણમાં એટલે કે જમ્મુ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસો વધી રહ્યા છે. BSF અને આર્મી બંને ડ્રોનની ઘૂસણખોરી અટકાવી રહ્યા છે. જામર ખરીદવામાં આવ્યા છે, જેનું પરિણામ સારું આવ્યું છે.
આ સિવાય મનોજ પાંડેએ જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામ વિશે કહ્યું કે, અહીં પણ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જો કે સરહદ પારથી આતંકવાદને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે અને તેમ છતાં હિંસક ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. મનોજ પાંડેએ ઉત્તર પૂર્વના મોટાભાગના રાજ્યોમાં શાંતિની વાત કરી છે. તેમણે કહ્યું કે, આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસની પહેલના સારા પરિણામો મળ્યા છે.