Site icon Revoi.in

પુલવામા એટેકનો એક કાવતરાખોર મુદસ્સિર ઢેર, 21 દિવસમાં સેનાએ ઠાર કર્યા 18 આતંકીઓ

Social Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. રવિવારે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષદળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર થયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદસ્સિરખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

સેનાએ જણાવ્યું છે કે 21 દિવસ સુધી ચાલેલા અભિયાનમાં 18 આતંકીઓને મારવામાં આવ્યા છે. શ્રીનગરમાં સેના અને પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જીઓસી-15 કોર્પ લેફ્ટિનેન્ટ જનરલ કે. જે. એસ. ઢિલ્લને આની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે સશસ્ત્ર દળોના સંયુક્ત અભિયાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. આ અભિયાન આતંકવાદીઓના ખાત્મા સુધી ચાલુ રહેશે.

પુલવામા હુમલામાં મુદસ્સિરખાનની મોટી ભૂમિકા હતી. વ્યવસાયે ઈલેક્ટ્રિશિયન રહેલા મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદમાં જોડાઈને આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તે આદિલ અહમદ ડારના પણ સંપર્કમાં હતો અને પુલવામા એટેકના ષડયંત્રમાં સામેલ હતો. સેનાએ જણાવ્યું છે કે 21 દિવસમાં 18 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને તેમાના આઠ આતંકીઓ પાકિસ્તાની હતા.  

સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના પિંગલિશમાં ઘેરાબંધી કરી અને તલાશી અભિયાન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. તલાશી અભિયાન દરમિયાન આ અથડામણમાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેની સાથે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી.

મહત્વપૂર્ણ છે કે ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદથી જ સુરક્ષાદળોના નિશાના પર કાશ્મીર ખીણમાં રહેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી છે. સુરક્ષાદળો દ્વારા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને વીણીવીણીને ઠાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહમદ ડારે જ પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલો કર્યો હતો અને તેમા સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. બાદમાં સુરક્ષાદળોએ કાશ્મીર ખીણમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી નેટવર્કને સાફ કરવાનું શરૂ કર્યું હતું.

તાજેતરમાં આ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને પણ સેનાએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પુલવામા એટેકમાં સીઆરપીએફના કાફલા પરના આત્મઘાતી હુમલા બાદ સુરક્ષાદળો અને રાજ્ય પોલીસે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન તીવ્ર બનાવ્યું હતું. ચોથી માર્ચે ત્રાલમાં પણ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.