Site icon Revoi.in

ગુજરાતની સમુદ્રી સીમાની સુરક્ષા માટે આઠ યુદ્ધજહાજો તેનાત, 1965માં અહીં થઈ ચુક્યો છે હુમલો

Social Share

ગુજરાતમાં કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદને પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજિમેન્ટની તેનાતી શરૂ કરી દીધી છે. તેના જવાબમાં ગુજરાતમાં પોરબંદર પોર્ટ પર કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય નૌસેનાના આઠ યુદ્ધજહાજોને તેનાત કરવામાં આવ્યા છે.

મંગળવારે પાકિસ્તાન અને પીઓકેના ત્રણ ઠેકાણા પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકથી 350 આતંકવાદીઓના માર્યા જવાને કારણે પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યુ છે. જેને કારણે પાકિસ્તાન દ્વારા ભારતીય સીમા પર ટેન્ક અને સેનાની તેનાતી શરૂ કરવામાં આવી છે.

આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતે પણ સુરક્ષા તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં પોરબંદર પોર્ટ પર કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે આઠ યુદ્ધજહાજોની તેનાતી કરવામાં આવી છે. તેની સાથે જ ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે પર્યટકો દ્વારા સીમા દર્શન બંધ કરવામાં આવ્યું છે.

અહેવાલ છે કે ગુજરાતમાં કચ્છની પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજિમેન્ટની તેનાતી શરૂ કરી છે. બે દિવસથી આ કવાયત ચાલી રહી હતી. મંગળવારે તેમા તીવ્રતા જોવા મળી હતી. કચ્છના વીઘાકોટની સરહદથી માત્ર અડધો કિલોમીટર દૂર પાકિસ્તાની સેના અને રેન્જર્સની હલચલમાં વધારો જોવા મળ્યો છે. સીમા પાર પાકિસ્તાની સેનાની પણ મૂવમેન્ટ જોવા મળી રહી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિઓ પર નજર રાખી રહી છે.

ભારતની સમુદ્રી સીમા ખડાઉ પોર્ટ, પાઈક્રિક અને નવલખી સહીતના વિસ્તારોમાં વિશેષ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીમાવર્તી ગામડાઓમાં જવાનોની તેનાતી થઈ રહી છે. સામાન્ય દિવસોમાં ખાલી રહેતા વોચ ટાવર પર મરીન એજન્સીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. પોરબંદરના ગોસાથી મિયાણી સુધીના 11 સંવેદનશીલ લેન્ડિંગ પોઈન્ટ છે. આ તમામ સ્થાનો પર એલર્ટ છે.

પોરબંદર પાકિસ્તાનના કરાચી પોર્ટથી 281 નોટિકલ માઈલ દૂર છે. આઠ જહાજો પોરબંદર પહોંચી ગયા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડે ફિશરીઝ ગાર્ડને વિશેષ તપાસ કરવાના આદેશ આપ્યા છે. તપાસ અને દસ્તાવેજો વગર માછીમારોને સમુદ્રમાં જવાની મંજૂરી કોઈપણ સંજોગોમાં નહીં આપવાના કડક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સીમાદર્શન પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે.

1965માં પાકિસ્તાની નેવીનું છમકલું

મહત્વપૂર્ણ છે કે સાતમી સપ્ટેમ્બર-1965ના રોજ અડધી રાત્રિ બાદ પાંચ પાકિસ્તાની ડિસ્ટ્રોયર્સ દ્વારા પવિત્ર દ્વારકાથી માત્ર 5.8 નોટિકલ માઈલ દૂર પહોંચીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના એક સપ્તાહ પહેલા જ પાકિસ્તાની સેનાએ ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ નામથી આખી આંતરરાષ્ટ્રીય સીમા પર પોતાનું આક્રમક સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન ત્યારે સત્તાવાર રીતે યુદ્ધની સ્થિતિમાં આ ચુક્યા હતા અને પાકિસ્તાની નૌસેનાએ લડાઈના છમકલા કર્યા હતા.

સમુદ્રતટના સમાંતર ઉભેલા દ્વિતિય વિશ્વયુદ્ધના જૂના બેડાથી સજ્જ પાકિસ્તાની યુદ્ધજહાજે તે રાત્રે ગુજરાતના સમુદ્રી તટ પર 50 શેલ ફાયર કર્યા હતા. પાકિસ્તાની નેવીએ તેને ઓપરેશન દ્વારકા નામ આપ્યું હતું. તેનો ઉદેશ્ય રડાર સ્ટેશનને નષ્ટ કરવાનો હતો. આ રડાર ભારતીય નેવીને અરબી  સમુદ્રમમાં નૌસૈન્ય ગતિવિધિઓના નિરીક્ષણ માટે મદદગાર હતું. પાકિસ્તાની નેવીએ ચાર મિનિટ સુધી બોમ્બમારો કર્યો હતો. પાકિસ્તાની સેના જામનગર ખાતે ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવનારા હવાઈ હુમલાના ડરથી કરાચી પાછી ફરી હતી.