મુંબઈ, 24 માર્ચ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર સૂચિત હુમલાને થોડા સમય માટે ટાળવાની જાહેરાત કરવામાં આવતા જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ હકારાત્મક માહોલ જોવા મળ્યો છે. આ જાહેરાતને પગલે રોકાણકારોમાં ઉત્સાહ વધતા આજે સપ્તાહના કારોબારમાં ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો ‘ગ્રીન ઝોન’ માં ખુલ્યા છે.
હાલમાં ભારતીય શેરબજારમાં ચોતરફ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 648 પોઈન્ટના તોતિંગ વધારા સાથે 73,346 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. NSE નિફ્ટી 191 પોઈન્ટના સુધારા સાથે 22,694 ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
બજારમાં આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે વેપાર કરી રહ્યા છે. ખાસ કરીને ઓટો, બેંકિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU બેંકો અને ખાનગી બેંકોના શેરમાં મોટો વધારો નોંધાયો છે. ઓટો અને બેંકિંગ સેક્ટરમાં આવેલી તેજીએ બજારને ઉપર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. ભૂ-રાજકીય તણાવ હળવો થતા સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું રૂ. 2,300 ના ઘટાડા સાથે રૂ. 1,36,000 (પ્રતિ 10 ગ્રામ) પર પહોંચ્યું છે. ચાંદી રૂ. 10,000 ના મોટા ગાબડા સાથે રૂ. 2,15,000 (પ્રતિ કિલો) પર ટ્રેડ થઈ રહી છે.
શેરબજારમાં તેજી અને ડોલરના પ્રવાહને કારણે ભારતીય રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 13 પૈસા વધીને 93.84 ના સ્તરે પહોંચ્યો છે. નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક તણાવ વધુ હળવો થશે તો આગામી દિવસોમાં બજાર નવી ઊંચાઈઓ સર કરી શકે છે.
વધુ વાંચો: વિશ્વ ક્ષય દિવસઃ દ્રૌપદી મુર્મુએ ક્ષયને એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર ગણાવ્યો

