Site icon Revoi.in

ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ,પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવ્યું

Social Share

મુંબઈ:ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય મહિલા ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ સતત બીજી ટેસ્ટ જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પણ ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું. ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે આ મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ભારત માટે આ મેચ પૂરી કરી. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 75 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો તેણે બે વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી પીછો કર્યો હતો.

ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 219 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયન ટીમને ઓલઆઉટ કરી દીધી. આ દરમિયાન પૂજા વસ્ત્રાકરે 4, સ્નેહ રાણાએ 3 અને દીપ્તિ શર્માએ બે વિકેટ ઝડપી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી તાહલિયા મેકગ્રાએ અડધી સદી ફટકારી હતી. તેમના સિવાય માત્ર બેથ મૂની અને એલિસા હીલી થોડા રન બનાવી શકી હતી. મેચના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ સંપૂર્ણ રીતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને વાપસી કરવાની તક આપી ન હતી.

હવે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને લીડ મેળવવાની શાનદાર તક હતી અને ભારતીય ટીમે પણ કંઈક આવું જ કર્યું. ભારતે તેના દાવમાં 406 રન બનાવ્યા અને 187 રનની જંગી લીડ લીધી. આ દરમિયાન ભારતના ચાર ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. જેમાં સ્મૃતિ મંધાના (74 રન), રિચા ધોષ (52 રન), જેમિમાહ રોડ્રિગ્સ (73 રન) અને દીપ્તિ શર્મા (78 રન)ના નામ સામેલ હતા. આ ચાર સિવાય શેફાલી વર્માએ 40 રનની ઇનિંગ રમી હતી અને પૂજા વસ્ત્રાકરે 47 રનની ઇનિંગ રમી હતી.