Site icon Revoi.in

ભારતના દિગ્ગજ ખેલાડી મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન

Social Share

ચંદીગઢ : ‘ફ્લાઇંગ શીખ’ ના નામથી જાણીતા ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું નિધન થયું છે.નિર્મલ કૌર 85 વર્ષની હતી. મિલ્ખા સિંહની પત્ની કોરોનાથી પીડિત હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. નિર્મલ કૌરનું નિધન રવિવારે સાંજે ચાર વાગ્યે થયું હતું.કોરોનાને કારણે મિલ્ખા સિંહની પત્નીની હાલત નાજુક હતી, તેથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મૃત્યુ અંગેની માહિતી પરિવારજનોએ આપી હતી.

ગયા મહિને મિલ્ખા સિંહ અને તેની પત્ની બંનેને કોરોનાને કારણે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોર્ટિસ હોસ્પિટલે ત્યારે કહ્યું હતું કે,ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમને આઈસીયુ ખસેડાયા હતા. હોસ્પિટલ તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયત ધીરે ધીરે સુધરતી જાય છે. પરંતુ, અંતે, ભારતની વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકેલી નિર્મલ કૌર કોરોના સાથેની લાંબી લડાઇ જીતી શકી નહીં. મિલ્ખા સિંહ પીજીઆઈ ચંદીગઢના આઈસીયુમાં  દાખલ છે. આને કારણે તે અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકશે નહીં.

ગયા મહિને 26 મીએ નિર્મલ કૌરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે સતત હોસ્પિટલમાં દાખલ છે. મિલ્ખા સિંહને અગાઉ પણ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તે પછી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મિલ્ખા સિંહને તેના પરિવારની વિનંતી પર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેની હાલત સ્થિર છે. આ પછી 3 જૂને મિલ્ખા સિંહની તબિયત ફરી કથળી હતી. તેનું ઓક્સિજનનું સ્તર પણ ઘટવા લાગ્યું, ત્યારબાદ તેને પીજીઆઈ ચંદીગઢના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.