Site icon Revoi.in

લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક આમીર હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ

Social Share

ઈસ્લામાબાદ, 16 એપ્રિલ 2026: પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે સવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને કુખ્યાત મૌલાના આમીર હમઝા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાહોરના વ્યસ્ત ગણાતા પેકો રોડ પર પિંડી સ્ટોપ પાસે અજાણ્યા બાઇક સવાર બંદૂકધારીઓએ હમઝાની ગાડી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે 10 વાગ્યાની આસપાસ આમીર હમઝા એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેની કારને નિશાન બનાવી હતી. ફાયરિંગમાં એક ગોળી આમીર હમઝાના જમણા હાથમાં વાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે નસીબદાર હતો કે ગોળી તેના હાથને સ્પર્શીને નીકળી ગઈ અને તેનો જીવ બચી ગયો.

ચોંકાવનારી વાત એ છે કે જે સમયે આ હુમલો થયો, તે સમયે આમીર હમઝાની સાથે પાકિસ્તાનના નિવૃત્ત જસ્ટિસ નઝીર અહેમદ પણ ગાડીમાં હાજર હતા. સદનસીબે નિવૃત્ત જજને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સુરક્ષિત છે. પ્રાથમિક સારવાર બાદ હમઝાને પોલીસ સુરક્ષા હેઠળ તેના ઘરે મોકલી દેવામાં આવ્યો છે. લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ ગણાતી ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ (PMML) એ આમીર હમઝાની એક તસવીર જાહેર કરીને દાવો કર્યો છે કે તે સુરક્ષિત છે. હાલમાં તે લાહોર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યો છે. જોકે, લાહોર પોલીસ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા નેતાઓ અને લશ્કરના કમાન્ડરો પર ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા હુમલાની ઘટનાઓ વધી છે. આમીર હમઝા પર થયેલો આ હુમલો એ જ શ્રેણીનો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને પગલે લાહોરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ સંસદમાં અમિત શાહ અને મેઘવાલે રજૂ કર્યા મહત્વના બિલ, સીમાંકન મુદ્દે વિપક્ષનો વિરોધ

Exit mobile version