Site icon Revoi.in

કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ,10ના મોત અને 25 ઈજાગ્રસ્ત

Social Share

ઓટાવા, 11 ફેબ્રુઆરી 2026: કેનેડાના શાંત ગણાતા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ટમ્બલર રિજ નામના નાના શહેરમાં આવેલી એક હાઈસ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં હુમલાખોર સહિત કુલ 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 લોકો લોહીલુહાણ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર કેનેડામાં શોકની લહેર ફરી વળી છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે ‘ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલ’ માં ગોળીબારની ઘટના બની હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શાળાની અંદરથી 6 મૃતદેહો મળી આવ્યા હતા. અન્ય એક ઈજાગ્રસ્તનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. પોલીસને તપાસ દરમિયાન નજીકના એક ઘરમાંથી પણ બે મૃતદેહો મળી આવ્યા છે, જે આ હિંસા સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.

પોલીસ રિપોર્ટ મુજબ, શંકાસ્પદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા સેવાઈ રહી છે કે માસૂમ વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવ્યા બાદ હુમલાખોરે પોતાની જાતને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસ હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.

બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “ટમ્બલર રિજમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત સમુદાયને તમામ સંભવિત મદદ પૂરી પાડશે.”

આ હુમલામાં કુલ 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને એરલિફ્ટ કરીને મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના ઈજાગ્રસ્તોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે હવે કોઈ અન્ય હુમલાખોર ફરાર નથી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ ભારતને ચીન કરતાં વધુ સારો વિકલ્પ ગણાવ્યો

Exit mobile version