Site icon Revoi.in

વિદ્યા પ્રાપ્તિ બાદ વ્યક્તિઓએ નમ્ર બનવુ જોઈએ, સૌમ્યતાથી સન્માનતા પ્રાપ્ત થાય છેઃ રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો  9મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કચ્છના અંતરિયાળ વિસ્તારો એવા નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ પણ કરાયો હતો. ઉપરાંત નવા 5 અભ્યાસક્રમો પણ લોન્ચ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પદવી ધારકોને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિએ વિનયી અને નમ્ર બનવું જોઈએ. સૌમ્ય વ્યક્તિ જ સન્માનનીય બને છે. નમ્રતાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધનનો મહિમા ત્યારે જ છે, જો સાથે ધર્મ ભળે અને ધર્મ કમાશો તો જ સુખની પ્રાપ્તિ થશે.

રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણીની ઉપસ્થિતિમાં આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના    9મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પદવીધારકો અને ચંદ્રકો મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર અને ‘વિકસિત ભારત’ બનવા જઈ રહ્યું છે ત્યારે યુવાનો સત્યનું આચરણ કરતાં કરતાં કર્તવ્ય નિષ્ઠાથી પોતાની જવાબદારીઓનું નિર્વહન કરીને અન્યના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય તે સમયની માગ છે. માતા-પિતા, ગુરૂજનો અને અતિથિઓ પ્રત્યે હંમેશા સન્માન ભાવ રાખશો તો જીવનમાં સન્માનનીય બનશો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કચ્છના સરહદી વિસ્તારોમાં સેવારત સેનાના જવાનોને, જેલના કેદીઓને, વિચરતી જાતિઓના લોકોને અને મહિલાઓને શિક્ષણ અને પ્રશિક્ષણના અવસર પૂરા પાડીને શ્રેષ્ઠ કામ કર્યું છે. મહિલા સશક્તિકરણનું અભિયાન અત્યારે જેટલું ઉજાગર થયું છે એટલું અગાઉ ક્યારેય ન હતું. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. જ્યાં નારીનાં માન-સન્માન નથી જળવાતા ત્યાં પ્રસન્નતા અને ધર્મ ટકી શકતા નથી.

આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, BAOUનો આ નવમો દીક્ષાંત સમારોહ એ અમૃતકાળનો પહેલો દીક્ષાંત સમારોહ છે. વર્ષ 2047માં ભારત હજારો વર્ષો જૂની વિરાસતની માવજત સાથે અભૂતપૂર્વ વિકાસ થકી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. સ્નાતક થઈને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે જ્યારે આગળ વધશો ત્યારે ફક્ત ડિગ્રી સર્ટિફિકેટ કે માર્કશીટ નહીં પરંતુ, જ્ઞાન અને કૌશલ્ય પણ મહત્વપૂર્ણ સાબિત થશે. પુસ્તકમાં રહેલી જાણકારીને કેવી રીતે અમલમાં લાવવી? તેનું નામ જ્ઞાન છે. આવનારી પેઢીના ભાવિને ધ્યાનમાં રાખી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર સાથે ઉજ્જવળ ભાવિની તમામ બાબતોનું ધ્યાન રખાયું છે.