Site icon Revoi.in

ભારતને આર્થિક મહાસત્તા બનાવવા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મહત્વનો બનશે : રાઘવજી પટેલ

Social Share

રાજકોટઃ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ  રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ. 1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા.

ગુજરાત સરકારના  કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ‘‘આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ’’ યોજાઇ હતી. જેનું આયોજન  રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ કન્વેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)10ની આવૃત્તિના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા  કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે  અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા કહ્યું હતું કે, આ  સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @ 2047ના સપનાને સાકાર કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કરશે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 2003માં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે, અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે.

મંત્રી પટેલે ગૌરવપૂર્વક ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે  ઉદ્યોગોને અનુરૂપ સરળ નીતિઓ બનાવી છે, જેના અનુસંધાને આ વખતે દરેક જિલ્લામાં સમિટ કરી જિલ્લા સ્તરે ઔદ્યોગિક વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો  ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.

જી.આઈ.ડી.સી. જોઇન્ટ મેનેજિંગ ડિરેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધ્વની દલાલે કર્યું હતું.

Exit mobile version