Site icon Revoi.in

મોંધવારીનો માર: સર્ફ-સાબુ અને પાવડરના ભાવમાં સતત બીજી વખત થયો વધારો

Social Share

દિલ્હી :સતત વધી રહેલી મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ બાદ હવે સાબુ, સર્ફ, ડીશવોશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.હકીકતમાં, દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ ફેબ્રુઆરીમાં આ ઉત્પાદનોની કિંમતોમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે.

કંપનીએ બે મહિનામાં સતત બીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. HULનું કહેવું છે કે કાચા માલના ઊંચા ભાવની અસરને સરભર કરવા માટે આ ઉત્પાદનોના ભાવમાં બીજી વખત વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરની કમાણી પછી મેનેજમેન્ટે જે કહ્યું હતું તેના અનુરૂપ ભાવમાં વધારો થયો છે.

કંપનીએ ડિસેમ્બરમાં સંકેત આપ્યો હતો કે,જો કાચા માલનો ફુગાવો ડિસેમ્બર ક્વાર્ટર કરતાં વધુ હશે તો તે તબક્કાવાર ભાવ વધારવાનું વિચારશે. HULના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) રિતેશ તિવારીએ જણાવ્યું હતું કે,વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને અમારી પ્રથમ પ્રાથમિકતા ખૂબ જ સખત બચત કરવાની છે અને પછી તબક્કાવાર કિંમતોમાં વધારો કરવાની છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પણ HULએ તેના વ્હીલ, રિન, સર્ફ એક્સેલ અને લાઇફબૉય કેટેગરીના ઉત્પાદનોના ભાવમાં 3-20 ટકા સુધીનો વધારો કર્યો હતો.ચા, ક્રૂડ પામ ઓઈલ અને અન્ય કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને કારણે કંપનીએ ડિસેમ્બર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ ભાવમાં વધારો કર્યો હતો.આનાથી તે એફએમસીજી કંપનીઓમાંની એક બની ગઈ જેની ઓપરેટિંગ આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે વધી હતી.