Site icon Revoi.in

ગુજરાતમાં 674 વનરાજોનો વસવાટ, માનવ વસવાટમાં સિંહોની અવર-જવર વધી

Social Share

અમદાવાદઃ એશિયાઈ સિંહના ઘર ગણાતા ગુજરાતમાં 674 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. જે પૈકી 345 વનરાજો જંગલ અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યારે 326 સિંહ અભ્યારણ્યની બહાર આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે. જંગલમાં માનવોની અવર-જવર વધતા હવે સિંહ સહિતના જંગલના પ્રવાણીઓ હવે માનવ વસવાટ તરફ જઈ રહ્યાં છે. જેની પ્રાણીઓ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સાસણગીરમાં બે વર્ષના સમયગાળામાં લગભગ 7 લાખથી વધારે પ્રવાસીઓએ સિંહદર્શન કર્યાં છે.

ગુજરાત વિધાનસભામાં સિંહના વસવાટ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં 674 સાવજો વસવાટ કરે છે.  જે પૈકી 206 નર, 309 માદા, 29 બાળસિંહ છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓનાં ગામો અને શહેરોમાં સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હોવાના બનાવો સતત વધી રહ્યા હોવાનું પણ મંત્રીએ જણાવ્યું છે.

ગુજરાતમાં 345 સિંહ જંગલ-અભ્યારણ વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યારે 326 જેટલા સિંહ જંગલ અને અભ્યારણની બહાર આસપાસના વિસ્તારમાં વસવાટ કરે છે. જેથી અકસ્માત તથા અન્ય કોઈ કારણોસર વનરાજોના અકુદરતી મોત થતા હોવાનું સામે આવે છે. આ ઉપરાંત સરકારે સાસણગીરમાં પ્રવાસીઓની મુલાકાત અંગે પણ જણાવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે, સરકારે આપેલી પરમિટ દ્વારા ગીરમાં છેલ્લાં બે વર્ષમાં 7.50 લાખ કરતા વધારે પ્રવાસીઓએ મુલાકાત કરી છે તેમાંથી સરકારને 16 કરોડ રૂપિયાની આવક થઈ છે.