Site icon Revoi.in

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પહેલઃ માલભાડાની ઓનલાઈન ચુકવણીનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે. આ પહેલની દિશામાં વધુ એક પગલું ભરતાં પશ્ચિમ રેલવેએ ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળતાપૂર્વક અમલ કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, આમ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આ સિસ્ટમનો અમલ કરનારુ ભારતીય રેલવેનું પ્રથમ ડિવિઝન બન્યું છે.

પશ્ચિમ રેલવેના પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ રેલવેએ એપ્રિલ 2021માં માલભાડાના ચાર્જની ચુકવણીની પ્રક્રિયાને સરળ, અનુકૂળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલી અંગે નીતિગત માર્ગદર્શિકા જારી કરી હતી. આ જ દિશામાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝનમાં ટીએમએસ પર માલભાડાની ઓનલાઇન ચુકવણી સુવિધા સફળતાપૂર્વક રજૂ કરી છે, જેને આ પાયલોટ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરવામાં આવી હતી. ચુકવણીના આ નવા મોડ સાથે, પ્રથમ વ્યવહાર સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને એફએફએસ હેઠળ, લિન્ચ સ્ટેશનથી અઝારા માં માલ બુક કરવા માટે કન્સાઇનર પાસેથી મળેલી માલ ફી તરીકે ₹ 98649ની રેલવે રસીદ જારી કરવામાં આવી હતી.

પેમેન્ટ ગેટવે ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એફઓઆઈએસના ફ્રેઇટ બિઝનેસ ડેવલપમેન્ટ (એફબીડી) પોર્ટલ મારફતે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. તે માલભાડા અને અન્ય તમામ પ્રકારના પેટાચાર્જ જેવા કે વેગન નોંધણી ફી, વિલંબ ચાર્જ, ઘાટ ચાર્જ, સાઇડિંગ ચાર્જ, શન્ટિંગ ચાર્જ, રિબુકિંગ ચાર્જ, ડાયવર્ઝન ચાર્જ વગેરેની સુવિધા આપશે. આ સુવિધા માલવાહક ગ્રાહકો તેમજ તેના હેન્ડલિંગ એજન્ટો માટે ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. રેલવે મંત્રાલય અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પણ લાગુ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાની સફળતા સાથે હવે 7 જૂન, 2021થી દેશભરમાં આ કાર્યક્રમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.