બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર ઇન્કિલાબ મંચના પ્રવક્તા અને છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીને શનિવારે હજારો સમર્થકોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઢાકા યુનિવર્સિટી પરિસરમાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામની કબર પાસે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમટેલી મેદની અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારે બાંગ્લાદેશમાં ફરી એકવાર તણાવ વધાર્યો છે. ઇન્કિલાબ મંચે હવે વચગાળાની સરકારને હત્યારાઓ પકડવા માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
શરીફ ઉસ્માન હાદીની નમાઝ-એ-જનાઝા નેશનલ પાર્લામેન્ટ બિલ્ડિંગના સાઉથ પ્લાઝામાં અદા કરવામાં આવી હતી. જેમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ, સલાહકાર પરિષદના સભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. પ્રોફેસર યુનુસે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “હાદી હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે.”
અંતિમવિધિ બાદ ઇન્કિલાબ મંચના સચિવ અબ્દુલ્લા અલ જાબિરે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સમર્થકોને શાહબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવા આહ્વાન કરતા કહ્યું કે, “અમે અહીં માત્ર શોક મનાવવા નથી આવ્યા, અમારા ભાઈ માટે ન્યાય માંગવા આવ્યા છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે, હત્યાના એક સપ્તાહ બાદ પણ હત્યારાઓ પોલીસ પકડથી બહાર છે. મંચે સરકાર પાસે 24 કલાકમાં હત્યારાઓની ઓળખ અને અત્યાર સુધી થયેલી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.
જનાઝા પૂર્વે હાદીના ભાઈ અબૂ બકર સિદ્દીકીએ સરકાર અને પોલીસની નિષ્ફળતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભાવુક થઈને પૂછ્યું કે, “મારો ભાઈ પાટનગરમાં ધોળે દિવસે ગોળીએ દેવાયો, છતાં ૮ દિવસ પછી પણ કાતિલો કેમ ફરાર છે? હત્યારાઓનો તાત્કાલિક ટ્રાયલ શરૂ થવો જોઈએ. 32 વર્ષીય શરીફ ઉસ્માન હાદી શેખ હસીના વિરોધી પ્લેટફોર્મ ‘ઇન્કિલાબ મંચ’ના મુખ્ય ચહેરો હતા. જુલાઈ 2024ના વિદ્રોહ દરમિયાન આ મંચ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હાદી આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઢાકાથી અપક્ષ ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા.

