Site icon Revoi.in

US ELECTIONS 2020: મતદાને 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો, થયું 66.9% મતદાન

Social Share

ન્યૂયોર્ક: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન મતદારોએ અપાર ઉત્સાહ દર્શાવ્યો છે. મતદાને આ વખતે 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં સરેરાશ 50 થી 60 ટકા મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક 66.9 ટકા મતદાન થયું હોવાનું અમેરિકન ઇલેક્શન પ્રોજેક્ટનો અંદાજ છે.

અમેરિકાની ચૂંટણીમાં મતદાનના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2020 પહેલાં વર્ષ 1900માં સૌથી વધુ 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ સૌથી વધુ મતદાન હતું. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં યુએસ ઇલેક્શન પ્રોજેક્ટના પ્રોફેસર માઇકલ મેકડોનાલ્ડનું કહેવું છે કે વર્તમાન ચૂંટણીની સરખામણી વર્ષ 1900 સાથે કરવી અયોગ્ય છે. તે સમયે મહિલાઓને મતદાનનો અધિકાર નહોતો. વર્ષ 2020માં વધુ મતદાનનું એક કારણ યુવાન મતદારો અને મેલ-ઇન-વોટ છે.

ટફટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ અનુસાર 18 થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા વધુ હોવાથી મતદાન પર અસર થઇ છે. જેમ કે ટેક્સાસમાં આ ચૂંટણીમાં યુવાન મતદારોનું યોગદાન 13.1 ટકા રહ્યું છે, જે અગાઉની ચૂંટણીમાં માત્ર 6 ટકા હતું. મિશિગનમાં આ ચૂંટણીમાં 9.4 ટકા યુવા મતદારો હતો જ્યારે ગત ચૂંટણીમાં માત્ર 2.5 ટકા યુવા મતદારોએ મતદાન કર્યું હતું.

અમેરિકામાં હજુ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નંખાયેલા મતોની ગણતરી ચાલુ છે. આ વખતે 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મતદાનની ટકાવારી અંદાજે 67 ટકા જેટલી છે, જે એક સદીમાં સૌથી વધુ છે.

મહત્વનું છે કે, છેલ્લે 1900માં 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તે સમયે વિલિયમ મેકેન્લી પ્રમુખ બન્યા હતા. ત્યાર પછી મતદાન 65.7 ટકાથી વધુ મતદાન થયું નથી.   હિસ્ટ્રી.કોમના અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન 1972માં થયું હતું. 1828માં પહેલી વખત 50 ટકા મતદાન થયું હતું જ્યારે 1876માં 82.6 ટકા મતદાન થયું હતું.

(સંકેત)