Site icon Revoi.in

કંદહારમાં આતંકીઓના અડ્ડા પર એરસ્ટ્રાઇક, 100થી વધુ તાલિબાન આતંકીઓનો ખાત્મો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર આધિપત્ય ધરાવતા તાલિબાન આતંકીઓના વિવિધ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં કરાયેલા હવાઇ હુમલામાં તાલિબાનના ટોચના કમાન્ડર સહિત 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે અને અનેક ટેંકોનો ખાતમો પણ બોલાવ્યો છે. મોડી રાત્રે 2 વાગ્યની આસપાસ આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.

આ અંગે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્ત ફવાદ અમાને કહ્યું હતું કે, તાલિબાની આતંકીઓ કોઇ મોટા ઓપરેશનને અંજામ આપવાની ફિરાકમાં હતા જેની જાણકારી મળતા જ આ એરસ્ટ્રાઇક કરીને તેઓનો ઇરાદા નાકામ કરવામાં આવ્યા હતા. જે આતંકીઓ માર્યા ગયા હતા તેમાં તાલિબાનના ટોચના કમાન્ડર ઉપરાંત 10 થી વધુ સુસાઇડ બોમ્બરનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાન સરકાર અનુસાર જેટલા આતંકીઓ માર્યા ગયા હતા તેનાથી પણ વધુ આ હુમલામાં ઘવાયા છે. તાલિબાન આ વિસ્તારમાં ઘણા સમયથી સંરક્ષણ અને સુરક્ષા જવાનો પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું અને તેના માટે કેમ્પો પણ નાંખ્યા હતા.

જેની જાણકારી અફઘાનિસ્તાન એરફોર્સને થઇ જતા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકીઓ હોવાની જાણ થતા જ સૈન્યએ હવાઇ હુમલા કરી દીધા હતા. ઉપરથી બોમ્બમારો થતા અનેક આતંકીઓ ભાગવાની કોશીશ કરી રહ્યા હતા પણ માર્યા ગયા.

અફઘાનિસ્તાન સુરક્ષા જવાનોએ તાજેતરના હુમલામાં તાલિબાનને સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે. અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ માટે તાલિબાનની સાથે અમેરિકા સતત પ્રયાસો કરી રહ્યું છે. જોકે તેમ છતા તાલિબાન દ્વારા વારંવાર હુમલા કરાઇ રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી સમજૂતી અનુસાર 1 મેના રોજ અમેરિકા પોતાનું સૈન્ય પરત બોલાવવા જઇ રહ્યું છે.

(સંકેત)