Site icon Revoi.in

સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું નેટવર્ક ઝડપાયું: 47 કરોડના કૌભાંડમાં BSC પાસ યુવકની ધરપકડ

Social Share

સુરત, 5 એપ્રિલ 2026: સુરત સાયબર સેલે લિંબાયત વિસ્તારમાં દરોડા પાડીને દુબઈ સ્થિત સાયબર માફિયાઓ માટે કામ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી મહારાષ્ટ્રની બેંકોના ખાતા ખોલાવી તેની કિટ દુબઈ મોકલતી હતી અને તે ખાતાઓમાં જમા થતા ફ્રોડના નાણાં એટીએમ મારફતે ઉપાડી લેતી હતી. પોલીસે આ મામલે ૨૨ વર્ષીય બીએસસી પાસ યુવક ભાવેશ શિંદેની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો હરીશ ચૌધરી અને રૂષિકેશ શિંદેને વોન્ટેડ જાહેર કર્યા છે.

સાયબર સેલને મળેલી બાતમી મુજબ, ભાવેશ શિંદે અને તેના સાથીદારો લોકોને કમિશનની લાલચ આપીને અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓની ડેબિટ કાર્ડ અને પાસબુક સહિતની બેંક કિટ દુબઈના સાયબર માફિયાઓને મોકલવામાં આવતી હતી. આ ખાતાઓમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના નાણાં જમા થતા હતા, જેને સુરતના અલગ-અલગ એટીએમ સેન્ટરો પર જઈને ઉપાડી લેવામાં આવતા હતા.

પોલીસે નીલગીરી સર્કલ પાસેથી ભાવેશને ઝડપી પાડ્યા બાદ લિંબાયતના સુભાષનગરમાં હરીશ ચૌધરીના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરની તલાશી દરમિયાન પોલીસે 16 ડેબિટકાર્ડ અને 14 કાર્ડ કવર, 6 ચેકબુક અને 24 બેંક પાસબુક, 40 સિમકાર્ડ અને નવ મોબાઈલ ફોન, રૂપિયા ગણવાનું મશીન તથા રૂ. 18.50 લાખની રોકડ જપ્ત કરી હતી. તપાસ દરમિયાન સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે, આ ટોળકી દ્વારા વાપરવામાં આવતા 35 બેંક ખાતાઓ પર દેશભરના જુદા-જુદા રાજ્યોમાં કુલ 56 ઓનલાઇન ફરિયાદો નોંધાયેલી છે. NCCRP પોર્ટલ પરની વિગતો મુજબ, આ ખાતાઓ દ્વારા અંદાજે 47.44 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સમક્ષ ધરપકડ કરાયેલા ભાવેશ શિંદેએ કબૂલાત કરી છે કે તે રૂષિકેશ અને હરીશના ઈશારે એટીએમમાંથી નાણાં ઉપાડવાનું કામ કરતો હતો. તે ભટાર, અડાજણ, સિટીલાઈટ અને સહારા દરવાજા જેવા વિસ્તારોમાં રોજ અલગ-અલગ એટીએમ પર જતો હતો જેથી પોલીસ પકડી ન શકે. રોજના 3થી 3.50 લાખ રૂપિયા ઉપાડવાના બદલામાં તેને 1000 થી 1500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. અત્યાર સુધીમાં તેણે 75 લાખ રૂપિયા ઉપાડીને મુખ્ય સૂત્રધારોને આપ્યા હોવાનું કબૂલ્યું છે. હાલ પોલીસે ભાવેશના 3 દિવસના રિમાન્ડ મેળવી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને દુબઈના કનેક્શન અંગે સઘન પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો: અદાલતી ચુકાદાઓમાં એઆઈના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર વહીવટી કામમાં જ મળશે છૂટ

Exit mobile version