Site icon Revoi.in

બેંગલુરુમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: 8 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Social Share

બેંગલુરુ, 1 ડિસેમ્બર 2026 : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બેંગલુરુમાં ઓપરેટ થઈ રહેલા એક વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં NCBએ આશરે 160 કિલો ‘ખટ’ ની પાંદડીઓ જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 8 કરોડ આંકવામાં આવી રહી છે. વર્ષ 2018માં ‘ખટ’ને NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત જાહેર કર્યા બાદ કર્ણાટકમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સ ઇથિયોપિયાથી કેન્યા થઈને ભારત લાવવામાં આવતું હતું. આ રેકેટ માત્ર ભારત પૂરતું સીમિત નથી, પરંતુ ઇથિયોપિયા, કેન્યા, અખાતી દેશો, યુરોપ અને ઉત્તર અમેરિકા સહિત 20થી વધુ દેશોમાં ફેલાયેલું છે. આ ટોળકી અત્યાર સુધીમાં આશરે 550 પાર્સલ એટલે કે લગભગ 2100 કિલો ‘ખટ’ વિદેશોમાં સપ્લાય કરી ચૂકી છે.

તસ્કર ટોળકી ખૂબ જ શાતિર રીતે આ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી હતી. ખટની પાંદડીઓને ‘ચા’ અથવા સામાન્ય વ્યાપારી સામાન તરીકે જાહેર કરી ઇન્ટરનેશનલ પોસ્ટ અને કુરિયર દ્વારા મોકલવામાં આવતી હતી. બેંગલુરુમાં અલગ-અલગ જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવતો અને ત્યારબાદ નાના ટુકડાઓમાં પેક કરીને આગળ સપ્લાય કરાતું હતું.

ચોંકાવનારી વિગત એ છે કે આ નેટવર્ક ચલાવનારા મોટાભાગના વિદેશી નાગરિકો છે. આ આરોપીઓ ભારતમાં સ્ટુડન્ટ વિઝા અથવા મેડિકલ વિઝા પર આવ્યા હતા અને અહીં રહીને ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા હતા. તેમને સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી હતી. NCBના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ભારતમાં ભલે આ ડ્રગ્સ વધુ પ્રચલિત ન હોય, પરંતુ તે અત્યંત ખતરનાક સાયકોટ્રોપિક ડ્રગ છે. અમે અન્ય દેશોની એજન્સીઓને પણ જે-તે પાર્સલ અંગે જાણ કરી છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાર્યવાહી થઈ શકે.”

આ પણ વાંચોઃ સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: રિસોર્ટમાં ધડાકો

Exit mobile version