Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કફોડી, હવે એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબ્જો છે ત્યારથી ત્યાં મહિલાઓ પર જુલમ વધી રહ્યો છે અને તેઓ પર અનેક પ્રકારની પાબંધી મૂકવામાં આવી છે. હવે તાલિબાને વધુ એક ફરમાન જાહેર કર્યું છે. તાલિબાને ધાર્મિક માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં દેશની ટીવી ચેનલોને તે ટીવી સિરિયલો બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં મહિલા અભિનેત્રીઓ કામ કરી રહી છે.

તે ઉપરાંત તાલિબાને ટીવી પરની મહિલા પત્રકારો પર પાબંધી લગાડતા કહ્યું કે તેઓએ ન્યૂઝ રિપોર્ટ્સ વખતે હિજાબ પહેરવો પડશે. મંત્રાલયે ચેનલોને પ્રોફેટ મુહમ્મદ અને અન્ય મહાનુભાવો વિશે કંઇપણ દર્શાવતી ફિલ્મો અથવા કાર્યક્રમોનું પ્રસારણ ના કરવા જણાવ્યું છે. તે ઉપરાંત ઇસ્લામિક અને અફઘાન મૂલ્યોની વિરુદ્વ હોય તેવા ફિલ્મો પર પ્રતિબંધ મૂકવા પણ કહ્યું છે.

આ અંગે મંત્રાલયના પ્રવક્તા હકીફ મોહાજીરે કહ્યું કે, આ નિયમો નથી પરંતુ ધાર્મિક માર્ગદર્શિકા છે. આ નવી માર્ગદર્શિકા સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત કરાઇ છે.

જ્યારે તાલિબાન સત્તા પર આવ્યું ત્યારે વાયદો કર્યો હતો કે તેઓ અફઘાનિસ્તાનમાં મીડિયાને સંપૂર્ણ આઝાદી આપશે. પરંતુ આજે અફઘાનિસ્તાનમાં પત્રકારો સતત ડર અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે અને પત્રકારો પર હુમલાની ઘટના પણ સામે આવી રહી છે. તેમના પર દમન કરવામાં આવી રહ્યું છે.