Site icon Revoi.in

સિદ્વિ: ભારતના 21 વર્ષીય નીલકંઠ છે દુનિયાના સૌથી ઝડપી હ્યૂમન કેલ્ક્યુલેટર, વૈશ્વિક સ્તરે જીત્યો ખિતાબ

Social Share

સામાન્યપણે લોકોને ગણિતના જટિલ કોયડા ઉકેલવા કે પછી લાંબી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડતો હોય છે અને તેમાં સમય પણ વધુ જાય છે. જો કે કેટલાક લોકોમાં આ પ્રકારના કોયડા ઉકેલવાનું સામર્થ્ય જન્મજાત અને કુદરતની બક્ષિસ હોય છે. આવા જ એક હ્યુમન કેલ્ક્યુલેટર છે હૈદરાબાદનો નીલકંઠ ભાનુ પ્રકાશ. નીલકંઠે હાલમાં જ દુનિયાના સૌથી તેજ હ્યૂમન કેલ્ક્યુલેટર (Human Calculator)નો ખિતાબ જીત્યો છે.

લંડનમાં માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020માં જીત્યો ખિતાબ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, લંડનમાં થોડા દિવસ પહેલા માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નીલકંઠ ભાનુ પ્રકાશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં નીલકંઠે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. લંડનમાં યોજાયેલી આ પ્રતિસ્પર્ધામાં 13 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નીલકંઠ ભાનુ પ્રકાશે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.

નીલકંઠે શકુંતલા દેવીનો પણ રેકોર્ડ તોડ્યો હોવાનો  દાવો

ભારતે પ્રથમવાર મેન્ટલ કેલ્કૂલેશન વર્લ્ડ ચેમ્પિયનિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેવો નીલકંઠનો દાવો છે. નીલકંઠના જણાવ્યા મુજબ તેણે સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. નીલકંઠ 21 વર્ષનો છે અને તેના નામે સૌથી ઝડપી કેલ્કૂલેશન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. તે 4 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે તેમજ સૌથી તેજ હ્યૂમન કેલ્ક્યુલેટર તરીકેના 50 લિમ્કા રેકોર્ડ્સ પણ ધરાવે છે.

મેથ લેબ બનાવવાનું સ્વપન

હાલમાં નીલકંઠ ભાનુ પ્રકાશ બાળકોને ઓનલાઇન ક્લાસિસ કરાવે છે. તેનું સ્વપન એક મેથ લેબ બનાવવાનું છે. તેના માધ્યમથી તે હજારો બાળકો સુધી પોતાની પહોંચ વધારવા માંગે છે. મેથ લેબના માધ્યમથી બાળકોને ગણિત ભણાવીને તેમને ગણિત પ્રત્યે રૂચી વધારવા માંગે છે.

(સંકેત)