Site icon Revoi.in

વિશ્વમાં વાર્ષિક સ્તરે 1 અબજ ટન ફૂડ થાય છે વેસ્ટ, ખાદ્યચીજોની કિંમતમાં સતત 9માં મહિને વધારો

Social Share

નવી દિલ્હી: ખાદ્યાન્ન અંગેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનએ આજે ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. એ પ્રમાણે સતત 9માં મહિના આખા વિશ્વમાં ખાદ્યાન્ન ચીજોની કિંમતમાં વધારો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ફાઓ દ્વારા દર મહિને ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ રજૂ થાય છે. આ ઇન્ડેક્સનો આંક 100 હોય તો ભાવ સમપ્રમાણ ગણવામાં આવે છે. ફેબ્રુઆરીનો ઇન્ડેક્સ 116 નોંધાયો હતો.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘે ફૂડના બગાડને લઇને પણ એક અહેવાલ રજૂ કર્યો છે. તે અનુસાર વિશ્વમાં વર્ષે જેટલું ફૂડ પેદા થાય છે, તેમાંથી 17 ટકા ફૂડ વેસ્ટ થાય છે. આ વેસ્ટ ફૂડની ગણતરી કરીએ તો 1.03 અબજ ટન જેટલો તેનો જથ્થો થાય.

સામે પક્ષે કરોડો લોકોને એક ટંક પૂરતું ભોજન મળતું નથી. ફૂડની વૈશ્વિક વિતરણ વ્યવસ્થામાં ભારે અસમાનતા છે. આ ફૂડ વેસ્ટ પૈકી 61 ટકા તો ઘરમાં જ વેસ્ટ થાય છે, જ્યારે બાકીનું ફૂડ વેસ્ટ રેસ્ટોરાં અને ફૂડ ચેઇન્સમાં થાય છે.

ફેબ્રુઆરીનો આંક જાન્યુઆરી 2021 કરતાં 2.4 ટકા, જ્યારે ફેબ્રુઆરી 2020 કરતાં તો 26.5 ટકા વધારે ઊંચો છે. આ ઇન્ડેક્સ વૈશ્વિક સ્તરે ખાદ્યતેલ, ડેરી પ્રોડક્ટ, ખાંડ, અનાજ અને માંસના ભાવોમાં થતી વધઘટના આધારે નક્કી થાય છે.

ફાઓ દ્વારા 45 દેશોના નામ જાહેર કરાયા હતા, જ્યાં ફૂડ ક્રાઈસિસ ચાલી રહી છે. કેમ કે 2020માં કૃષિ ઉત્પાદનો પર વિપરિત અસર થઈ છે.  ઉત્પાદનો થયા એ વપરાશકારો સુધી પહોંચી શક્યા નથી. માટે ગરીબ દેશો જેઓ પહેલેથી ફૂડની અછત ભોગવે છે, ત્યાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.

બીજી તરફ આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વિશ્વમાં 78 કરોડ ટનના વિક્રમી આંકડે પહોંચવાની શક્યતા છે. રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં કહેવાયુ છે કે બાય વન, ગેટ વન જેવી સ્કીમો હેઠળ લોકો બિનજરૂરી ફૂડ ખરીદ્યા પછી ખાઈ શકતા નથી. અમેરિકા જેવા અગ્રણી ગણાતા પણ ઓછી સમજણ ધરાવતા દેશોમાં આવા કિસ્સા વધારે બને છે.

 (સંકેત)

Exit mobile version