Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: એટલાન્ટિક મહાસાગરમાં 2020 દરમિયાન 29 વાવાઝોડાં સર્જાયા

Social Share

કેલિફોર્નિયા: એટલાન્ટિક મહાસાગરમાંથી દર વર્ષે ઉદ્દભવતા વાવાઝોડાં મોટા પાયે તારાજી સર્જે છે. આ વાવાઝોડાંથી અમેરિકાના કાંઠા વિસ્તારમાં તથા કેરેબિયન ટાપુ સમૂહ, ક્યુબા, હૈતી વગેરે દેશોને ભારે નુકસાન થાય છે. વર્ષ 2020નું વર્ષ એટલાન્ટિક હેરિકેનના ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક છે. કેમ કે અત્યારસુધીમાં ચાલુ વર્ષે 29 વાવાઝોડાં સર્જાઇ ચૂક્યા છે. સોમવારે જોવા મળેલું થેટા 29મું વાવાઝોડું છે.

અમેરિકામાં છેલ્લા 170 વર્ષથી એટલાન્ટિક સ્ટોર્મનો રેકોર્ડ રખાય છે. આ પહેલા સૌથી વધુ 28 વાવાઝોડાં 2005ના વર્ષે નોંધાયા હતા. આ વખતે અત્યારસુધીમાં 29 વાવાઝોડાં સર્જાયા છે. હજુ એટલાન્ટિક હરિકેન સિઝન પૂરી થઇ નથી. માટે સંખ્યા વધે તો નવાઇ નહીં.

અત્યારે એટલાન્ટિકમાં જે થેટા વાવાઝોડું સક્રિય છે તે 100-125 કિલોમીટરની ઝડપ ધરાવે છે. પરંતુ તે કાંઠાથી દૂર હોવાથી કાંઠે ત્રાટકે એવી શક્યતા નહીવત છે. જો કે અત્યારે એટા નામનું વાવાઝોડું મેક્સિકોના અખાતમાં સક્રિય છે અને તેના કારણે 17 ઇંચથી વધારે વરસાદ થઇ ચૂક્યો છે. આ વાવાઝોડું 225 કિલોમીટરની ઝડપ સાથે વર્ષનું સૌથી ઘાતક વાવાઝોડું ગણાય છે.

નોંધનીય છે કે, આ વખતના 29 વાવાઝોડાંમાં ખાસ જાનહાનિ થઇ નથી. કેમકે 29માંથી 5 જ સુપર હેરિકેન શ્રેણીમાં ફેરવાયા હતા. ઘણા વાવાઝોડાં કાંઠે પહોંચતા પહેલા જ શાંત થયા હતા. પરંતુ વાવાઝોડાની સતત વધતી સંખ્યા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવે છે.

(સંકેત)