Site icon Revoi.in

વર્ષ 2020ની પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસની સૌથી સુરક્ષિત ચૂંટણી: અમેરિકન અધિકારીઓનો દાવો

Social Share

વૉશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટા પાયે ગરબડો થઇ હોવાના ટ્રમ્પના આરોપો વચ્ચે અમેરિકન અધિકારીઓએ રિપોર્ટ આપ્યો હતો કે 2020ની પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસમાં સૌથી સુરક્ષિત ચૂંટણી હતી. ગૃહ મંત્રાલયના અધિકારીઓની બનેલી સમિતિએ અહેવાલ આપ્યો હતો કે આ વર્ષે ચૂંટણીમાં કોઇ જ ગરબડો થઇ નથી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સાઇબર સિક્યોરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી કમિટીમાં સામેલ અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે 2020ની ચૂંટણી અમેરિકાના ઇતિહાસમાં સૌથી સુરક્ષિત ચૂંટણી હતી. આ ચૂંટણીમાં સાઇબર હુમલા રોકી શકાયા હતા. એટલું જ નહીં, એ સિવાય પણ કોઇ ગરબડ જણાઇ નથી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે મત ગણતરીમાં ગરબડો થઇ છે. વોટિંગ સિસ્ટમમાંથી મતો ડીલિટ કરી દેવામાં આવ્યા છે.

આ બધા જ આરોપો વચ્ચે અધિકારીઓએ કહ્યું હતું કે વોટિંગ સિસ્ટમમાં ગરબડી થયાનો માત્ર શાબ્દિક આરોપ થાય છે. તેના કોઇ જ પુરાવા મળ્યા નથી. અમેરિકામાં રાજ્યોની ચૂંટણી થાય ત્યારે પણ ફરી વખત જરૂર પડે તો મતગણતરી થાય છે. એના માટે બધા જ રેકોર્ડ સાચવવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે 24 વર્ષ પછી પ્રથમ વખત ડેમોક્રેટિક પાર્ટીએ એરિઝોના રાજ્યમાં વિજય હાંસલ કર્યો હતો. છેલ્લે વર્ષ 1996માં બિલ ક્લિન્ટને એરિઝોનમાં વિજય મેળવ્યો હતો. ટ્રમ્પે વર્ષ 2016ની ચૂંટણીમાં હિલેરીને આ રાજ્યમાં હરાવ્યા હતા. આ વિજય સાથે જ બિડેને મજબૂત સરસાઇ મેળવી લીધી છે. બિડેન પાસે 290 ઇલેક્ટોરલ વોટ થઇ ગયા છે. ટ્રમ્પ પાસે 217 મતો છે.

નોંધનીય છે કે બિડેનને પ્રેસિડેન્ટ ઇલેક્ટેડ જાહેર કરી દેવાયા છે, પરંતુ ટ્રમ્પે ચૂંટણીમાં ગરબડો થયાના આરોપો જારી રાખ્યા છે. એ આરોપો વચ્ચે બિડેને વ્હાઇટ હાઉસની તૈયારી આરંભી દીધી છે. બિડેને પ્રમુખ બન્યા પછી કોને કઇ જવાબદારી સોંપવી તે અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે.

(સંકેત)