Site icon Revoi.in

ભારત સરકારના સમર્થનમાં કેનેડામાં કાર રેલીનું આયોજન

Social Share

વેનકુવર: ભારત સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો સતત આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરીને સરકારને કૃષિ કાયદા રદ્દ કરવા માટે માંગણી કરી રહી છે. આ અંગે સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે 8 થી વધુ વખત મંત્રણા થઇ હોવા છતા હજુ કોઇ નક્કર પરિણામ કે સમાધાન મળ્યું નથી.

ગત 26 જાન્યુઆરીએ ભારતમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલા ઘર્ષણ અને હિંસા બાદ સમગ્ર ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે અને ભારત ઉપરાંત વિદેશમાંથી પણ આ હિંસાની ઘટનાને લોકોએ વખોડી છે.

 

આ વચ્ચે ભારત સરકારના સમર્થનમાં કેનેડામાં 4000 માઇલની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડો-કેનેડિયન ફ્રેન્ડશિપ ગ્રૂપે ભારત સરકારના સમર્થનમાં આ કાર રેલીનું આયોજન કર્યું હતું.

આ કાર રેલીમાં મોટા ભાગની કારમાં લોકોએ ભારતીય ધ્વજ સાથે ભારત સરકારનું સમર્થન કર્યું હતું. આ કાર રેલીથી કેનેડામાં વસવાટ કરતા ભારતીયોએ પણ ભારત સરકારના ખેડૂતોના હિતાર્થે પસાર કરાયેલા કૃષિ કાયદાઓને પૂરું સમર્થન અને સહયોગ પૂરો પાડ્યો છે.

નોંધનીય છે કે, સમગ્ર દેશના ખેડૂતોના હિત માટે સરકારે જે કૃષિ કાયદાઓ પસાર કર્યા છે તેમ છત્તાં ખેડૂતો તેનો સતત વિરોધ કરી રહ્યા છે અને પોતાના આંદોલનને વધુને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે. સરકાર દ્વારા પણ અનેકવાર ખેડૂતોને સમજાવવાના પ્રયાસો છત્તાં હજુ સુધી કોઇ પરિણામ પ્રાપ્ત થયું નથી ત્યારે આગામી સમયમાં આંદોલન પૂર્ણ થાય તે ખૂબજ આવશ્યક છે.

(સંકેત)