Site icon Revoi.in

વિયેના હુમલા બાદ ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે

Social Share

વિયેના: ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકી હુમલા બાદ ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. ઓસ્ટ્રિયા દૂતાવાસે આ માહિતી આપી હતી. ઓસ્ટ્રિયાના દૂતાવાસે જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે ઓસ્ટ્રિયાના દૂતાવાસે આ નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રિયાના રાજધાની વિયેનમાં બંદૂકધારીઓએ સોમવારે સાંજે લોકડાઉન લાગૂ થતા પહેલા બહાર ફરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાખોર સહિત 2 લોકોનાં મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ આદરી છે. 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. આ અંગે ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબસ્ટિયન કુર્જેએ કહ્યું હતું કે મને જણાવતા આનંદ થઇ રહ્યો છે કે પોલીસ હુમલાખોરને ઠાર કરવામાં સફળ રહી છે.

તેમણે આ ઘટના અંગે વધુ કહ્યું હતું કે અમે એવું નહીં થવા દઇએ કે આતંકવાદીઓ અમને ડરાવે. અમે તમામ રીતે આતંકીઓ સામે લડીશું. શહેરના એક રસ્તા પર રાતે 8 વાગ્યા બાદ ગોળીબાર થયો. 6 સ્થળોએ આવી ઘટના બની છે.

ઓસ્ટ્રિયાના મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે અનેક બંદૂકધારી આમાં સામેલ હતા અને પોલીસે હવે અભિયાન હાથ ધર્યું છે. ગૃહ મંત્રી કાર્લ નેહમ્મરે જણાવ્યું કે આ એક આતંકી હુમલો હોવાની શક્યતા છે.

પોલીસે લોકોને ટ્વીટના માધ્યમથી કહ્યું હતું કે હુમલાને લઇને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શક્ય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ જવાનું ટાળો.

નોંધનીય છે કે પીએમ મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે દુ:ખની આ ક્ષણોમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે છે. મોદીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિયેનામાં કાયરતાભર્યા આતંકી હુમલાથી સ્તબ્ધ અને દુ:ખી છું. આ સમયે ભારત ઓસ્ટ્રિયાની સાથે ઉભું છે.

(સંકેત)