Site icon Revoi.in

ભારતે રસી મોકલતા બ્રાઝિલે વ્યક્ત કર્યો આભાર, સંજીવની લઇ જતા હનુમાનજીની પોસ્ટ કરી તસવીર

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે ભારત પોતાના નાગરિકોની મદદ કરવા માટે સમર્થ છે, એટલું જ નહીં પરંતુ આપણે પાડોશી દેશોની પણ મદદ કરી રહ્યા છીએ. આ જ કડીમાં ભારતે શુક્રવારે બ્રાઝિલ, મોરક્કો માટે કોવિશીલ્ડ રસી મોકલી હતી. આ અંગે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારોએ એક ટ્વીટ કરીને ભારતના વખાણ કરીને આભાર માન્યો છે. તેમણે આભાર વ્યક્ત કરતા એક તસવીર શેર કરીને ભારતને સંજીવની મોકલનાર દેશ કહ્યો છે.

આ સાથે જ અમેરિકાના જો બાઇડન તંત્રએ પણ દક્ષિણ એશિયામાં અનેક દેશોમાં મફતમાં રસી મોકલવા માટે ભારતની પ્રશંસા કરી છે. આ સાથે જ ભારતને સાચો મિત્ર ગણાવ્યો છે, જે વૈશ્વિક સમુદાયોની મદદ કરવા માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે.

કોવિશીલ્ડની રસી બ્રાઝીલ માટે રવાના થયા બાદ જાયર બોલ્સનારોએ ટ્વીટ કરીને કહ્યુ કે નમસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી! વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે બ્રાઝીલ એક મહાન ભાગીદાર મેળવીને સન્માનિત થયું છે. ભારતથી બ્રાઝીલ માટે રસી મોકલવામાં અમારી મદદ કરવા માટે આભાર! તેમણે હિન્દીમાં ધન્યવાદ લખીને ભારત પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે. બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે પોતાના ટ્વીટમાં એક તસવીરનો ઉપયોગ કર્યો છે. આ તસવીરમાં ભગવાન હનુમાન સંજીવની લઈ જતા નજરે પડે છે.

આ સાથે જ અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ તેમજ મધ્ય એશિયા બાબતોના બ્યૂરો તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “અમે વૈશ્વિક સ્વાસ્થ્યમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ જેણે દક્ષિણ એશિયામાં કોવિડ-19ની રસી મોકલી છે. ભારત તરફથી કોરોના રસીની મફત ખેપ માલદીવ, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળ સાથે શરૂ થઈ છે અને બીજા દેશો સુધી પણ વિસ્તાર પામશે. ભારત એક સાચો મિત્ર છે, જે વૈશ્વિક સમુદાયોની મદદ માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે.”

નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવને ભારતે પોતાની ‘પાડોશી પહેલા’ નીતિ અંતર્ગત કોવિડ-19ની રસી મોકલી છે. ભારત પોતાના દેશમાં પહેલા જ મોટાપાયે રસીકરણ શરૂ કરી ચુક્યું છે. જે અંતર્ગત દેશના નાગરિકોને કોવિશીલ્ડ અને કોવેક્સીન આપવામાં આવી રહી છે.

(સંકેત)