Site icon Revoi.in

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે

Social Share

બીજિંગ: ચીન ટેક્નોલોજીની બાબતે હંમેશા આગળ હોય છે અને વધુ એક વખત ચીને આ વાત પુરવાર કરી બતાવી છે. ચીને બુલેટ ટ્રેનને પણ હંફાવે તેવી મેગાસ્પીડ મેગ્લેવ ટ્રેન બનાવી છે. આ ટ્રેન એક કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે અથવા એમ પણ કહી શકાય કે આ ટ્રેન કલાકે 620 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

ચીનની આ અત્યાધુનિક ટ્રેનની ઝડપને ધ્યાનમાં રાખીને તેને ફ્લોટિંગ ટ્રેન પણ કહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ટ્રેન વિમાની મુસાફરીનો સારો વિકલ્પ બની શકે છે. અત્યારે ચીનમાં વિમાનની ઝડપ કલાકની 900 કિલોમીટરની છે. આ ટ્રેનને દોડતી જોઇને એવું લાગે છે કે જાણે ચુંબકીય ક્ષેત્ર પર સરકી રહી છે. તેથી જ તેને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવાય છે. આ ટ્રેનને ચીનના ચેંગડુમાં લોંચ કરવામાં આવી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટ્રેનના સંશોધકોએ 165 મીટર લાંબો ટ્રેક બનાવ્યો હતો. એના પર ટ્રેનના દેખાવ અને કાર્યક્ષમતા રજૂ કરાયાં હતાં. આ ટ્રેનની લંબાઇ 21 મીટર છે, એના પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો કહે છે કે આ ટ્રેન ત્રણથી દસ વર્ષમાં જ દોડતી થઇ જશે.

નોંધનીય છે કે ચીનમાં અત્યંત ઝડપમાં દોડતી મેગ્લેવ ટ્રેન બનાવવાની શરૂઆત 2003માં થઇ હતી. એ સમયે બનેલી ટ્રેનની ઝડપ કલાકે 431 કિલોમીટરની છે. કલાકે 600 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન સિસ્ટમને વર્ષ 2016માં બનાવવાની શરૂઆત થઇ હતી.

(સંકેત)