Site icon Revoi.in

કોરોનાને કારણે ચીનનો પીએમઆઇ ઇન્ડેક્સ ઘટીને 51.90 થયો

Social Share

બીજિંગ: કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી હતી પરંતુ અન્ય મોટા દેશની સરખામણીએ ચીન ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે. ચીનને પણ કોરોનાનો માર પડતા ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને 51.90 નોંધાયો હતો. 50થી ઉપરના આંકને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે જ્યારે 50થી નીચેના આંકને સંકોચન કહેવાય છે.

કોરોના વાયરસના ઝટકા બાદ મજબૂત નિકાસ ઓર્ડરોને પરિણામે ચીનના ઉત્પાદન ક્ષેત્રને જોરદાર રિકવરી કરી છે, પરંતુ પશ્વિમમાં ચીનના મોટા વેપાર ભાગીદાર દેશોમાં કોરોનાને કારણે નવેસરથી સખત પગલાં તેમજ ચીનની અંદર પણ નવા કેસ ઊભા થતાં ઔદ્યોગિક ઉત્પાદનોની માગ પર અસર પડી હતી. પીએમઆઇ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે મોટી તેમજ સરકારી કંપનીઓના આંકડાઓ પર પીએમઆઇમાં વધુ ધ્યાન આપવામાં આવે છે. ચીનમાં નાની વેપાર પ્રવૃત્તિઓ માટેનો સબ-ઇન્ડેક્સ જે નવેમ્બરમાં 50.10 રહ્યો હતો તે ડિસેમ્બરમાં ઘટીને 48.80 રહ્યો હતો. રોજગાર માટેનો સબ-ઇન્ડેક્સ 49.60 રહ્યો છે જે નવેમ્બરમાં 49.50 રહ્યો હતો.

મહત્વનું છે કે, ઑટો તથા કમ્યુનિકેશન સાધનો માટેની મક્કમ માગને પરિણામે ચીનમાં રિટેલ વેચાણમાં મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં સેવા ક્ષેત્રમાં પણ સુધારો મંદ ગતિનો રહેવા પામ્યો છે.

(સંકેત)