Site icon Revoi.in

વિસ્તારવાદી ચીનની નવી ચાલ, જેનાથી અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ

Social Share

નવી દિલ્હી: ચીનને જપ નથી. હવે ચીન હાઇપરસોનિક મિસાઇલ પર કામ કરી રહ્યું છે. ચીનના આ કારનામાથી હવે અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ છે.

વિસ્તારવાદી ચીન હવે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધારી રહ્યું છે. એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, ચીન અંતરિક્ષમાં હવે હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. સૂત્રોનુસાર ગત ઑગસ્ટ મહિનામાં જ ચીને આ મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું.

જે મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું તેને પૃથ્વીની નીચલી કક્ષામાં ચક્કર માર્યું હતું. જો કે ટાર્ગેટ સુધી પહોંચા માટે આ મિસાઇલ માત્ર 32 કિલોમીટર ચૂકી ગઇ હતી. આ મિસાઇલોથી હવે અમેરિકાની ઊંઘ ઊડી ગઇ છે.

મહત્વનું છે કે, ચીન ઉપરાંત અત્યારે અમેરિકા, રશિયા સહિતના પાંચ દેશો હાઇપરસોનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યાં છે. હાઇપરસોનિક મિસાઇલ, પારંપરિક બેલિસ્ટક મિસાઇલોની જેમ જ પરમાણું હથિયારોનું વહન કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલો અવાજની ગતિ કરતાં પણ 5 ગણી વધારે ઝડપે ચાલે છે.

બેલિસ્ટિક અને હાઇપરસોનિક વચ્ચે એ તફાવત છે કે હાઇપરસોનિક મિસાઇલ વાયુમંડળના નીચેના સ્તરે ઉડે છે જ્યારે બેલેસ્ટિક મિસાઇલ અંતરિક્ષમાં ઉંચાઇ પર ઉડી શકે છે. હાઇપરસોનિક મિસાઇલ તેના નિર્ધારિત લક્ષ્ય પાસે ઝડપી ગતિએ પહોંચવાની ક્ષમતા રાખે છે.

બીજી તરફ હાઇપરસોનિક મિસાઇલની વિશિષ્ટતા એ છે કે તેને શોધવી અને તેને નષ્ટ કરવી પણ કઠીન છે. જો કે અમેરિકા જેવા દેશો ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો સામે રક્ષણ માટે ટેક્નોલોજી બનાવી છે પરંતુ હાઇપરસોનિક મિસાઇલને નષ્ટ કરાવવા માટે અત્યારસુધી કોઇ ટેક્નોલોજી બની નથી.