Site icon Revoi.in

ભૂતાનની જમીન હડપ કરી લેવાનો ચીનનો ઇરાદો, ભારતે ભૂતાનને કર્યું સાવધ

Social Share

ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે ચીનનું સૈન્ય ભૂતાન સામે મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. ભૂતાન સાથે સરહદ મુદ્દે 25માં તબક્કાની વાતચીતમાં તેના પર દબાણ વધારવા માટે ચીને પશ્વિમ અને મધ્ય ભાગમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે.

ભારતે ચીનના જોખમ અંગે ભૂતાનને અગાઉથી જ સાવધ કરી દીધું છે. ભૂતાનના કેટલાક વિસ્તારો પર અતિક્રમણ અને ઘૂષણખોરી કરીને ચીન આ વિસ્તારો પર પોતાનો દાવો મજબૂત કરે તેવી સંભાવના છે. બીજી બાજુ દક્ષિણ ચીન સમુદ્રમાં દાદાગારી માટે ચીનનું ત્રીજું એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઇ ગયું છે, જે વર્ષના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી સંભાવના છે.

ભૂતાનના ભારત સાથે ગાઢ સંબંધો છે અને ભારતની સલામતીમાં ભૂતાનની પણ મહત્વની ભૂમિકા છે, કારણ કે ભૂતાન સિલિગુરી કોરિડોરની ખૂબ જ નજીક છે. આ સંજોગોમાં જમીન અંગે ભૂતાનની ચીન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ભારતની સલામતી પર વિપરિત અસર કરશે.

ભારતીય સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન ભારતે ભૂતાનને ચીનના સૈન્યનો સામનો કરવામાં મદદ કરી હતી, પરંતુ ચીનના સૈન્યે બંને સહોયગી દેશોની સૈન્ય ક્ષમતાઓની ચકસાણી કરવાનું ચાલુ રાખ્યું છે.

નોંધનીય છે કે, ચીને ભૂતાનના પશ્ચિમી સેક્ટરમાં 318 ચો. કિ.મી. અને મધ્ય સેક્ટરમાં 495 ચો. કિ.મિ. વિસ્તાર પર દાવો કર્યો છે. વિસ્તારવાદી નીતિ હેઠળ ચીની સૈન્ય આ વિસ્તારોમાં રોડ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં લાગેલું છે અને આક્રમક પેટ્રોલિંગ મારફત ભૂતાનની રોયલ આર્મીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, બંને દેશના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ડોકલામ વિવાદ પછી ચીની સૈન્યે પશ્ચિમી ભૂતાનના પાંચ વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને નવી સરહદ પર દાવો કર્યો છે. તેણે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. સંરક્ષણ સુવિધાઓ ગોઠવી છે, સૈનિકો અને માલ-સામાનને અંતિમ સરહદ સુધી પહોંચાડવા રસ્તા, હેલિપેડ્સનું નિર્માણ કર્યું છે.

(સંકેત)