Site icon Revoi.in

સકારાત્મક સમાચાર: દુનિયાના એક કરોડ લોકોએ કોરોના સામેની જંગમાં જીત હાંસલ કરી

Social Share

કોરોના વાયરસની વાત આવે ત્યારે આપણી સમક્ષ પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત લોકોનું ચિત્ર દેખાય પરંતુ આ જીવલેણ રોગને હરાવીને પણ અનેક સંક્રમિત દર્દીઓએ જંગ જીતી છે. આ જીવલેણ રોગને મ્હાત આપનાર લોકોની સંખ્યા એક કે બે નહીં પરંતુ એક કરોડ છે. અત્યાર સુધી દુનિયામાં એક કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ચૂક્યા છે. સ્વસ્થ થયેલા લોકોમાં આશરે 9.50 લાખ ભારતીય છે.

દુનિયામાં કોરોના વાયરસના કુલ કેસ સામે રિકવરી રેટ એક કરોડની સંખ્યાને પાર કરી ગયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સૌથી વધુ લોકો અમેરિકામાં સ્વસ્થ થયા છે. અહીં 20 લાખથી વધુ લોકો કોરોનાને હરાવીને હવે સાજા થઇ ચૂક્યા છે.

જો કે આ બધા વચ્ચે કતાર અને રશિયાનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. અહીંયા રિકવરી રેટની તુલનાએ એક્ટિવ રેટ ખૂબજ ઓછો છે અને મોતની સંખ્યા પણ ઓછી છે.

દુનિયામાં કોરોના સામેનો રિકવરી રેટ અત્યારે 61.20 ટકા છે એટલે કે 100માંથી 61 લોકો કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થાય છે. જો કે, તેની સરખામણીએ ભારતમાં રિકવરી રેટ 64.25 ટકા છે. ભારતમાં અત્યારસુધી 9.50 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. કતારમાં રિકવરી રેટ 97 ટકા તેમજ રશિયામાં રિકવરી રેટ 73 ટકા છે.

મહત્વનું છે કે, સમગ્ર દુનિયામાં કોરોનાના કુલ કેસ 1.65 કરોડ છે. જેમાંથી 6.53 લાખ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

(સંકેત)