Site icon Revoi.in

કોરોના વેક્સીનની ચોરી અટકાવવા GPS ટ્રેકર્સ, ડમી ટ્રકો જેવા ઉપાયો અપનાવશે કંપની

Social Share

વોશિંગ્ટન: કોરોના વાયરસના કહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસની વેક્સીન તૈયાર થઇ રહી છે અને ઘણી રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી છે. જો કે કોરોના વેક્સીન બન્યા બાદ તેની ચોરી થવાની પણ શક્યતાઓ રહેલી છે. તેથી ચોરી ના થાય તે માટે આગમચેતી તરીકે ફાર્મા કંપનીઓ અને હેલ્થ ઓથોરિટી આ વેક્સીનને કોઇ ગુપ્ત સ્થળે સાચવીને રાખશે. તે ઉપરાંત વેક્સીનની વહેંચણી પર નજર રાખવા માટે કંપનીઓ GPS સોફ્ટવેરનો પણ ઉપયોગ કરશે.

વેક્સીનના શિપમેન્ટ્સમાં GPSનો થશે ઉપયોગ

કંપનીઓની તૈયારી વિશે વાત કરીએ તો કોરોના વેક્સીનનું નિર્માણ કરી રહેલી અમેરિકન જાયન્ટ ફાર્મા કંપની ફાઇઝર પોતાની વેક્સીનના શિપમેન્ટ્સમાં GPS સોફ્ટવેર લગાવશે. આ ઉપરાંત કંપની ડમી ટ્રકોમાં ખોટા શિપમેન્ટ્સ પણ લઇ જશે જેથી કરીને સંભવિત વેક્સીન ચોરો ગેરમાર્ગે દોરાઇ જાય. કોરોના વેક્સીનની વહેંચણી જ્યારે શરૂ થશે ત્યારે તે ચોરાઇ જવાનો ભય કંપનીઓને સતાવી રહ્યો છે અને તેથી જ કંપનીઓ પાણી પહેલા પાળ બાંધે તે રીતે પૂર્વ તૈયારીઓ કરી રહી છે.

બીજી તરફ અમેરિકામાં પણ કોરોનાની વેક્સીનની સુરક્ષાને લઇને યોજના પર કામ ચાલી રહ્યું છે. ઘણા રાજ્યોનો ઉત્પાદકો વેક્સીન સીધી હોસ્પિટલોમાં જ પહોંચી તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. તે ઉપરાંત ગ્લાસ બનાવતી કંપની કોર્નિંગ ઇંક જે કોવિડ-19 વેક્સીન ભરવા માટે શીશીઓ બનાવે છે, તે પણ શીશીઓ પર વેરિફિકેશન સ્ટેમ્પ લગાવશે. જેથી કરીને નકલી વેક્સીન આવે તો તેનાથી અલગ પડી શખે.

હોસ્પિટલમાં તૈયારી

કેટલીક હોસ્પિટલો તો તેમના ત્યાં રહેલી ફાર્મસીઓમાં પણ સુરક્ષા માટે વિવિધ પગલાં ભરી રહી છે. ફિલાડેલ્ફિયાની જેફરસન હેલ્થ હોસ્પિટલે સિક્યોરિટી કેમેરા લગાવી દીધા છે. તે ઉપરાંત જ્યાં વેક્સીન રાખવામાં આવશે ત્યાં પણ ફ્રીઝર રૂમોમાં કીપેડ ઓથોરાઇઝેશન લગાવી દીધા છે.

(સંકેત)