Site icon Revoi.in

હિટવેવની ઝપેટમાં કેનેડા-અમેરિકા, મૃત્યુ આંક વધીને 486 થયો

Social Share

નવી દિલ્હી: અમેરિકા અને કેનેડા હાલ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અમેરિકા અને કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને કારણે મૃત્યુ આંક વધીને 486 થયો હતો. કેનેડામાં જ વધુ 100 લોકોનાં મોત હિટવેવના કારણે થયા હતા. અમેરિકાના ઓરેગોનમાં વધુ 60ના મોત ત્રાહિમામ પોકારતી ગરમીને કારણે થયા હતા.

કેનેડા, ઓરેગોન તેમજ વોશિંગ્ટનમાં હજારો લોકો આ હિટવેવની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉત્તર અમેરિકાના ઘણાં વિસ્તારોમાં ભયાનક હિટ વેવથી જનજીવન પ્રભાવિત થયું છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં પણ હિટવેવથી હાહાકાર મચી ગયો છે. હિટવેવથી કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 45-50 ડિગ્રી નોંધાયો હતો. હિટવેવને કારણે કેનેડાના અનેક શાળા, કોલેજો અને વેક્સિનેશન સેન્ટર બંધ રખાયા હતા.

ઓરેગોનના હેલ્થ અધિકારીએ કહ્યું હતું કે હિટવેવથી વધુ ૬૦નાં મોત થયા હતા. એકલા મલ્ટનોમા કાઉન્ટીમાં જ ૪૫ લોકોનાં મોત નોંધાયા હતા. વૉશિંગ્ટનમાં ગરમીના કારણે ૨૦ લોકોનાં મોત થયાનું કહેવાયું હતું. જોકે, આંકડો ઘણો મોટો હોવાની દહેશત પણ વ્યક્ત થઈ હતી.

છેલ્લાં પાંચ જ દિવસમાં ૧૬૫ લોકોએ ગરમી સામે દમ તોડી દીધો હતો. બ્રિટિશ કોલંબિયાના અધિકારીએ કહ્યું હતું કે હિટવેવના કારણે ખરેખર કેટલાં લોકો મૃત્યુ પામ્યા છે તેનો આંકડો મળતાં સમય લાગશે. ધારણાં કરતાં વધુ  લોકો આ આકરી ગરમીનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.

Exit mobile version