Site icon Revoi.in

ચીને તાઇવાનને આપી ધમકી, કહ્યું – તેઓની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ હશે

Social Share

બીજિંગ: છેલ્લા કેટલાક સમયથી ચીન અને તાઇવાનના સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ચીને તાઇવાનની સ્વતંત્રતાની ઘોષણા કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવતા યુદ્વની ચેતવણી આપી દીધી છે, ચીનનાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને કહ્યું કે તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ છે. મંત્રાલયએ કહ્યું કે તેમના સશસ્ત્ર દળોને ઉશ્કેરવા તેમજ વિદેશી હસ્તક્ષેપનો જવાબ આપવા માટે હંમેશા તૈયાર છે. તાજેતરમાં જ ચીનના લડાકૂ વિમાનોએ તાઇવાનની હવાઇ સરહદે ઘૂસણખોરી તેજ કરી છે, ત્યારબાદથી બંને દેશો વચ્ચેની તંગદિલી ચરમસીમા પર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તાઇવાનમાં જુજ લોકો જ સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે, અમે તાઇવાનની માંગ કરનારા તત્વોને ચેતવણી આપીએ છીએ કે જે લોકો આગ સાથે રમે છે તેઓ ખુદ તો સળગશે જ અને તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ છે.

જ્યારે ચીની વાયુસેનાની તાજેતરની પ્રવૃત્તિઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે યુ કિયાને કહ્યું કે તાઇવાનના અખાતમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની લશ્કરી પ્રવૃત્તિઓ હાલની સુરક્ષા પરિસ્થિતિ જાળવવાનો પ્રયાસ છે અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચીનનાં સૈન્યની પ્રવૃત્તિઓ તાઇવાનની સ્વતંત્રતામાં વિદેશી ઉશ્કેરણીનો જવાબ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે ચીને તાઇવાનનાં એરસ્પેસમાં પણ તેના 8 H-6 પરમાણુ બોમ્બરોને ઉડાવ્યા હતા. તેમની સાથે ચાર J-16 લડાકૂ વિમાનોની ટુકડી હાજર હતી.

(સંકેત)