Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામતીપૂર્વક પરત લાવવાનો પ્રયાસ શરૂ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં પણ તાલિબાનીઓએ કબજો જમાવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને જવાની નોબત આવી હતી અને ત્યારબાદ હવે ત્યાંથી નાગરિકો પણ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર ભીડ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તંગદિલીની સ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. ભારત સરકારે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ વણસી છે. તે સમયે સમયે બદલાતી રહી છે.

અફઘાનિસ્તાન અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, સરકાર અફઘાનિસ્તાનમાં તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. અમે ભારતીય નાગરિકોની સલામતી માટે સમયાંતરે એડવાઇઝરી બહાર પાડી રહ્યાં છે, જેમાં તેમના તાત્કાલિક ભારત પાછા ફરવા માટેનો સમાવેશ થાય છે. અમે કટોકટીના સંપર્ક નંબરો ફરતા કર્યા હતા અને સમુદાયના સભ્યોને સહાય આપી રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં હજુ પણ કેટલાક ભારતીયો છે જે પાછા આવવા માંગે છે અને અમે તેના સંપર્કમાં છીએ.

“અમે અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમના ભારત પરત આવવાની સગવડ કરીશું. એવા ઘણા અફઘાન પણ છે જેઓ અમારા પરસ્પર વિકાસ, શૈક્ષણિક અને લોકોથી લોકોના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે અમારા ભાગીદાર રહ્યા છે. અમે તેમની સાથે ઉભા રહીશું.”

વિદેશ મંત્રાલયે કહ્યું કે, “કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન આજે રદ કરવામાં આવ્યું છે. અમે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.