Site icon Revoi.in

ભારતમાં આગામી દિવસોમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધશે: ઇન્ટરપોલ

Social Share

લિઓન: કોરોના કાળ દરમિયાન ડિજીટલ વ્યવહારોનો વ્યાપ વધ્યા બાદ સાયબર ક્રાઇમનું પણ પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં પણ વિશ્વભરમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધશે તેવી આશંકા ઇન્ટરપોલે વ્યક્ત કરી છે. ઇન્ટરપોલે જણાવ્યું હતું કે ઓનલાઇન છેતરપિંડી અને ડેટા ચોરીના મામલે આગામી દિવસોમાં વધુ ગંભીરતા રાખવી હિતાવહ છે.

વિશ્વની વિવિધ સુરક્ષા એજન્સીઓએ આપેલા રિપોર્ટ્સ પ્રમાણે દુનિયામાં દર વર્ષે 24 અબજ ડોલરની રકમ હેકર્સને ખંડણી માટે અપાઇ રહી છે. સિસ્ટમ હેક થયા પછી કોઇ વિકલ્પ ન રહેતા કંપનીઓ, સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અને લોકો હેકર્સને ડેટા પાછો મેળવવા આપે છે. સૌથી વધુ ચીન, ઇરાન, ઉત્તર કોરિયા જેવા દેશોના હેકર્સ અમેરિકા, યુરોપ અને ભારત જેવા દેશોને નિશાન બનાવે છે.

હજુ પણ આગામી દિવસોમાં હેકિંગનું પ્રમાણ વધશે તેવી ચેતવણી આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલે આપી છે. ઇન્ટરપોલને દુનિયાભરમાંથી ફરિયાદો મળી હતી. તેના આધારે કહેવાયું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ જો સાવધાન નહીં રહે તો મોટું નુકસાન થશે. ભારતના યૂઝર્સનો ડેટા અને તેમની સિસ્ટમ હેકર્સના સોફ્ટ ટાર્ગેટ છે. ભારતમાં સાયબર ક્રાઇમ અંગે પૂરતી જાગૃતિ ના હોવાથી હેકર્સ ભારતને નિશાન બનાવશે.

ઇન્ટરપોલે વધુમાં ઉમેર્યું હતું કે ખાનગી સંસ્થાઓ કે કંપનીઓ ફરિયાદ ન કરીને હેકર્સને ખંડણી આપી દે છે. એ પ્રવૃત્તિ સુરક્ષા એજન્સીઓએ રોકવી જોઇએ. સાયબર એક્સપર્ટની સલાહ લેવાની સાથોસાથ લોકોમાં જાગૃતિ આવે એવું પણ સાયબર સિક્યોરિટી એજન્સીઓએ કામ કરવું જોઇએ એવી સલાહ ઇન્ટરપોલના અધિકારીઓએ આપી હતી.

કંપનીઓ તેમના કર્મચારીઓની સિસ્ટમ સતત અપડેટ કરે, એન્ટી વાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરે, ડેટા સુરક્ષિત રહે તે માટે સિસ્ટમને સુરક્ષિત રાખે તે માટેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા ઉપર પણ એજન્સીએ ભાર મૂક્યો હતો.

(સંકેત)