Site icon Revoi.in

ઇમિગ્રેશન પોલિસી અંગે જો બાઇડેને બદલ્યો સૂર, કહ્યું – પોલિસી બદલતાં વધુ સમય લાગશે

Social Share

વૉશિગ્ટન: ચૂંટણી સમયે જો બાઇડેનને વાયદો આપ્યો હતો કે જો તેઓ સત્તા પર આવશે તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિને રદ્દ કરશે જો કે હવે જ્યારે તેઓનો સત્તા ગ્રહણ કરવાનો સમય આવ્યો છે ત્યારે ઇમિગ્રેશન નીતિ અંગે જો બાઇડેને સૂર બદલ્યા છે અને કહ્યું છે કે ટ્રમ્પે ઘડેલી નીતિ બદલવામાં સમય લાગી શકે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બાઇડેને એવો ઢંઢેરો કર્યો હતો કે ટ્રમ્પે વધુ પડતી સખત ઇમિગ્રેશન પોલિસી ઘડી હતી, તેઓ સત્તા પર આવતાં વેંત તેઓ આ પોલિસી રદ કરશે. ઇમિગ્રેશન પોલિસી બદલવી એ અમારી અગ્રતા રહેશે. પરંતુ હવે એમણે સૂર બદલ્યો હતો અને કહ્યું હતું કે નીતિ બદલવામાં વધુ સમય લાગી શકે છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે ઉતાવળ કરવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. થોડા સમય પહેલાં મારા નીતિ વિષયક સલાહકારો સાથે અમે ચર્ચા વિચારણા શરૂ કરી હતી પરંતુ મને લાગે છે કે ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન નીતિ બદલવામાં થોડો સમય લાગી શકે છે ખરો. વધુ પડતી ઉતાવળ કરીને નિર્ણય લેવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

તેણે વધુમાં ઉમેર્યું હતું કે શરણાર્થીઓ અંગે મેક્સિકન રાષ્ટ્રપ્રમુખ અને લેટિન અમેરિકાના પ્રમુખ જેવા અમારા મિત્રો સાથે વાટાઘાટો ચાલી રહી હતી. એ પછી શરણાર્થીઓના મુદ્દે નિર્ણય કરીશું.

નોંધનીય છે કે, બાઇડનનો આ અભિપ્રાય એવા સમયે આવ્યો હતો જ્યારે અમેરિકામાં શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલના આંકડા મુજબ ઘુસણખોરી કરતાં પકડાયેલા અને ડિટેન્શનમાં લેવાઇ રહેલા લોકોની સંખ્યામાં ઓક્ટોબર પછી 30 ટકાનો વધારો નોંધાયો હતો.

(સંકેત)