Site icon Revoi.in

NASAનું Moon Mission: વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમવાર મહિલા ડગ માંડશે, મિશન પાછળ 2 લાખ કરોડનો થશે ખર્ચ

Social Share

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. વર્ષ 1972માં પ્રથમવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં આવ્યા હતા. NASA પ્રમુખ જિમ બ્રિડેનસ્ટીનએ જણાવ્યું કે નાસા વર્ષ 2024માં ચંદ્ર પર પ્રથમ મહિલા એસ્ટ્રોનૉટને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. આ મિશન પર એક પુરુષ એસ્ટ્રોનૉટ પણ સાથે જશે. આ મિશનની શરૂઆત ચંદ્ર પર વૈજ્ઞાનિક શોધ, આર્થિક લાભ અને નવી પેઢીના શોધકર્તાઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવી રહી છે.

નાસાના પ્રમુખે કહ્યું કે, દેશમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી છે એટલે આ મિશનમાં બજેટને લઇને થોડી અડચણ છે. જો અમેરિકન સંસદ ડિસેમ્બર સુધી પ્રારંભિક બજેટ તરીકે 23 હજાર 545 કરોડ રૂપિયાની મંજૂરી આપી દે છે તો અમે ચંદ્ર પર પોતાના અભિયાનને હાથ ધરી શકીશું.

આ મિશન પાછળ 28 બિલિયન ડોલરનો થશે ખર્ચ

આ મિશનમાં નાસા ચંદ્રના ક્યારેય ન ખેડાયેલા સાઉથ પોલ પર અંતરિક્ષ યાનનું લેન્ડિંગ કરશે. આ મિશન 4 વર્ષમાં પૂર્ણ થશે અને તેની પર લગભગ 28 બિલિયન ડૉલરનો ખર્ચ થશે. આ મિશનમાં નવા પ્રકારની વસ્તુઓની શોધ થશે.

બ્રિડસ્ટીને જણાવ્યું હતું કે, વર્ષ 1969ના એપોલો મિશન સમયે લાગતું હતું કે ચંદ્ર સૂકો છે, પરંતુ હવે જાણવા મળ્યું છે કે ચંદ્રના સાઉથ પોલ પર મોટી માત્રામાં પાણી ઉપલબ્ધ છે. હાલ ત્રણ લ્યૂનર લેન્ડરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે અંતરિક્ષ યાત્રિકોને લઇ જશે.

આ કંપનીઓ બનાવી રહી છે લેન્ડર

NASA અનુસાર અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોઝની કંપની પહેલું લેન્ડર બનાવી રહી છે. બીજુ લેન્ડર એલન મસ્કની કંપની સ્પેસએક્સ અને ત્રીજું લેન્ડર ડાઇનેટિક્સ કંપની બનાવી રહી છે. નાસાએ પોતાના મિશનને અર્ટેમિસન નામ આપ્યું છે, તે અનેક ચરણોમાં થશે.

પહેલું ચરણ માનવરહિત ઓરિયન સ્પેસક્રાફ્ટથી નવેમ્બર 2021માં શરુ થશે. મિશનના બીજા અને ત્રીજા ચરણમાં એસ્ટ્રોનૉટ ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને ચંદ્રની સપાટી પર ઉતરશે. જે એપોલો-11 મિશનની જેમ એક સપ્તાહ સુધી ચાલશે અને આ દરમિયાન એસ્ટ્રોનૉટ એક સપ્તાહ સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે.

(સંકેત)