Site icon Revoi.in

ભારત થયું ગૌરવાંતિત: ન્યૂઝીલેન્ડના મંત્રીએ સંસદમાં મલયાલમ ભાષામાં આપ્યું ભાષણ

Social Share

ઑકલેન્ડ: ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણને ભારતને ગૌરવાંતિત કર્યું છે. હકીકતમાં, ન્યૂઝીલેન્ડની ભારતીય મૂળની પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનનો ત્યાંની સંસદને મલયાલમ ભાષામાં સંબોધિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ વીડિયો શેર કર્યો છે.

ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના મંત્રીએ સંસદને મલયાલમ ભાષામાં સંબોધી

આપને જણાવી દઇએ કે પ્રિયંકા રાધાકૃષ્ણનનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વર્ષ 2017નો છે. પ્રિયંકા છેલ્લા 17 વર્ષથી લેબર પાર્ટીના સભ્ય છે. ભારતમાં જન્મેલી 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણને સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે. જે બાદમાં તેઓ વધુ અભ્યાસ અર્થે ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયા હતા. પ્રિયંકા હાલમાં પતિ સાથે ઑકલેન્ડમાં રહે છે.

ન્યૂઝીલેન્ડ સરકારના મંત્રીમંડળમાં છે સામેલ

અહીંયા ભારત માટે ગૌરવની વાત એ છે કે, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને પોતાના મંત્રીમંડળમાં પાંચ નવા મંત્રીઓને સામેલ કર્યા છે, જેમાંથી એક પ્રિયંકા રાધાકૃષ્ણ પણ છે. બે સપ્તાહ પહેલા જ જેસિન્ડા આર્ડેનની પાર્ટીને દેશની સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મળી છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રિયંકા મલયાલમ ભાષામાં કહે છે કે, “શ્રીમાન અધ્યક્ષ મહોદય, મારું માનવું છે કે આ કદાચ પ્રથમ વખત છે જ્યારે મારી માતૃભાષા મલયાલમ, આ સંસદમાં બોલવામાં આવી છે.”

નોંધનીય છે કે પ્રિયંકા રાધાકૃષ્ણના ન્યૂઝીલેન્ડમાં મંત્રી પદ પર નિમણૂંક બાદ કૉંગ્રેસ નેતા શશિ થરૂરે આનંદ વ્યક્ત કરતા પ્રિયંકાને શુભેચ્છાઓ પાઠવી હતી.

(સંકેત)