Site icon Revoi.in

નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસના બીજા તબક્કાની આજથી ફરી સુનાવણી

Social Share

ભાગેડુ આર્થિક અપરાધી નિરવ મોદીના પ્રત્યાર્પણની બીજા તબક્કાની સુનાવણી સોમવારે બ્રિટનની કોર્ટમાં ફરી શરૂ થશે. 49 વર્ષીય મોદી અત્યારે જેલમાં છે અને તેમની સામે પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 2 અબજ ડોલરની છેતરપિંડીનો આરોપ છે. તે ઉપરાંત ભારત સરકારે નિરવ મોદી વિરુદ્વ મની લોન્ડરિંગનો કેસ પણ કર્યો છે, જે બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ચાલી રહ્યો છે. આપને જણાવી દઇએ કે મોદીના કેસની સુનાવણી વીડિયો લિંક દ્વારા કરવામાં આવશે.

બ્રિટનમાં પણ કોરોના વાયરસના અનેક કેસ છે ત્યારે ત્યાં પણ અનેક નિયંત્રણો હોવાથી ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુલ ગૂઝીએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે મોદીને સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલના રૂમમાંથી પાંચ દિવસ ચાલનારી સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપી છે.

આપને જણાવી દઇએ કે જસ્ટિસ ગૂઝીએ અગાઉ મે મહિનામાં પ્રત્યાર્પણના પ્રથમ તબક્કાની સુનાવણી સાંભળી હતી. જેમાં CPSએ મોદી સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો પ્રથમદર્શી કેસ બનતો હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, ભારત સરકારે આ મુદ્દે વધુ પુરાવા રજૂ કર્યા પછી આગામી સુનાવણીમાં મોદી સામેના આરોપો અંગે બાકી રહેલી દલીલો પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ભારત સરકારની પ્રત્યાર્પણ સંબંધિત વધારાની અરજીની ચર્ચા થશે.

(સંકેત)