Site icon Revoi.in

USનો અહેવાલ – પાકિસ્તાન-ચીન સહિત આ દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

Social Share

વૉશિંગ્ટન: એક અમેરિકી અહેવાલમાં પાકિસ્તાન અને ચીનને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ચીનમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી. પાકિસ્તાન અને ચીન સહિત કુલ 8 દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી. યુએસ કમિશન ઑન રિલિજ્યસ ફ્રીડમ સંસ્થાએ આવા દેશોનાં નામ પ્રગટ કર્યા હતા. અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ દેશોમાં ધાર્મિક લઘુમતીને સતત હેરાન કરવામાં આવે છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આ અહેવાલની વિગતો પ્રગટ કરતાં જે 8 દેશનાં નામ આપ્યા હતા તેમાં પાકિસ્તાન, ચીન, ઇરાન, ઇરીટ્રીયા, નાઇજિરીયા, નોર્થ કોરિયા, સાઉદી અરેબિયા, તજાકિસ્તાન, તૂર્કમેનિસ્તાનનો સમાવેશ થતો હતો. જો કે આ રિપોર્ટ પ્રગટ થતાં જ તેના ઘેરા પ્રત્યાઘાત પાકિસ્તાનમાં પડતા પાકિસ્તાને વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ રિપોર્ટ પક્ષપાત ભરેલો છે. આમાં ભારતનું નામ કેમ નથી. ભારતમાં પણ લઘુમત સતત ભયના ઓથાર હેઠળ જીવતી હોવાના અહેવાલો પ્રગટ થતા રહે છે.

નોંધનીય છે કે અમેરિકાના વિદેશ ખાતાએ કોમોરોસ, ક્યૂબા, નિકારગુઆ અને રશિયા વિશે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ દેશોમાં વારંવાર ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન થતું હતું. ઉપરાંત અમેરિકાએ અલ કાયદા, જૈશ-એ-મુહમ્મદ, અલ શબાબ, બોકો હરમ, હયાત-તહરીર અલ શામ, IS વગેરે સંસ્થાઓને ઝનૂની મજહબી સંસ્થાઓ ગણાવીને માનવ જાત માટે જોખમ રૂપ હોવાનું પણ અહેવાલમાં જણાવ્યું હતું.

(સંકેત)