Site icon Revoi.in

ટ્રમ્પના સન્માનમાં 14 જૂને રજા જાહેર કરવા રિપબ્લિકન સાંસદોની માંગણી

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભલે ચૂંટણીમાં હાર થઇ હોય પરંતુ તેમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ માગ કરી છે કે ટ્રમ્પના સન્માનમાં 14 જૂનને રાજ્ય સ્તરની રજા જાહેર કરાય. ટ્રમ્પ પોતે રિપબ્લિકન પક્ષના નેતા છે. પણ તેમના વર્તનથી તેમના પક્ષમાંય તેની ટીકા થતી હતી. સામે પક્ષે ટ્રમ્પે પોતાનો મજબૂત ચાહક વર્ગ પણ ઉભો કરી લીધો છે. 14મી જૂનના રોજ તેમનો જન્મદિવસ હોવાથી નવતર ઉજવણીની માગ થઇ છે.

આપને જણાવી દઇએ કે ટ્રમ્પ જ્યારે સત્તા પર હતા ત્યારે તેમના પર બીજી વખથ મહાભિયોગની કાર્યવાહી આરંભાઇ હતી. હવે સત્તા પર નથી, છતાં પણ અમેરિકામાં તેનો પ્રચંડ વરોધી હોવાથી મહાભિયોગની કાર્યવાહી ચલાવવી કે નહીં એ ચર્ચા આરંભાઇ છે. 8મી ફેબ્રુઆરીથી સેનેટમાં ચર્ચા થનાર છે. એ પહેલા ટ્રમ્પને ઇમ્પિચમેન્ટ અંગે ખુલાસો આપવા જણાવાયું હતું. ટ્રમ્પના વકીલોએ સેનેટ સમક્ષ 14 પાનાનો જવાબ ફાઇલ કર્યો હતો. એમાં યુએસને બદલે યુનાઇટ્સ સ્ટેટ્સ લખીને વકીલોએ પોતાની આવડતનો પરિચય આપ્યો હતો.

ભારતમાં વિવિધ રાજ્યોની વિધાનસભા હોય, તેમ અમેરિકાના ઓહાયો રાજ્યની સ્ટેટ સેનેટમાં ટ્રમ્પના માનમાં રજા જાહેર કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. જોન ક્રોસ અને રેગી  સ્ટોલ્ઝફસ નામના આ સાંસદોએ પ્રસ્તાવમાં લખ્યું છે કે અનેક પડકારો, વિરોધ, અવરોધો છતાં ટ્રમ્પે ચાર વર્ષ દેશનુ સફળતાપૂર્વક સુકાન સંભાળ્યું છે. વળી ઓહાયોમાંથી પ્રમુખને ૩૧.૫૪ લાખ મત મળ્યા હતા. કોઈ પણ પ્રમુખ કરતા આ રાજ્યમાં ટ્રમ્પને મળેલા મત સૌથી વધારે છે. માટે એ રાજ્યમાં લોકપ્રિય છે.

જો કે બીજી તરફ આ પ્રસ્તાવ સ્વિકારાય તેવી શક્યતા નહીવત્ છે. 14મી જૂન અમેરિકામાં પહેલેથી ફ્લેગ ડે તરીકે ઉજવાય છે. 1777માં એ દિવસે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ સ્વિકારાયો હતો. એટલે એ દિવસે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે. રાષ્ટ્રને પડતું મૂકીને એક વ્યક્તિનો જન્મદિવસ ઉજવવાની ભૂલ સામાન્ય રીતે ઓહાયોના સાંસદો નહીં કરે.

(સંકેત)